
સુરતમાં કોરોનાના કહેરને પગલે કાપડ માર્કેટ બંધ રાખવાનો નિર્ણય
- કોરોનાના કેસમાં સતત વધારો
- કોરોનાનું સંક્રમણ અટકાવવા વેપારીઓએ લીધો નિર્ણય
અમદાવાદઃ સુરતમાં છેલ્લા કેટલાક સમયથી કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. દરમિયાન અનલોકમાં વેપારીઓએ કાપડ માર્કેટ ખોલ્યાં છે. પરંતુ પોઝિટિવ કેસમાં થઈ રહેલા સતત વધારાના પગલે વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. તેમજ કોરોનાની ચેન તોડવા માટે વેપારીઓએ આગામી એક અઠવાડિયું કાપડ માર્કેટ સયંભૂ બંધ રાખવાનું આયોજન કર્યું છે.
સુરતમાં અનલોક-1ના અમલની સાથે વેપાર-ધંધા શરૂ થયાં હતા. સુરતમાં ડાયમન્ડ માર્કેટ અને કાપડ માર્કેટ પણ ખુલ્યાં હતા. જો કે, કોરોના મહામારીને પગલે મોટાભાગના શ્રમિકો પોતાના વતન જતા રહ્યાં હોવાથી હાલ 40 ટકા જેટલા માર્કેટ ખુલ્યાં છે. જો કે, સુરતમાં કોરોના વાયરસે માથુ ઉચક્યું હોય તેમ પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થયો છે. જેથી વેપારી એસોસિએશન દ્વારા એક અઠવાડિયા સુધી માર્કેટ બંધ રાખીને કોરોનાના સંક્રમણની ચેન તોડવા માટે તૈયારીઓ શરૂ કરાઈ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સુરતમાં સરકારીની ગાઈડલાઈન અનુસાર હિરાના કારખાના અને કાપડ માર્કેટ ખુલ્યાં હતા. જો કે, રત્ન કલાકારોમાં કોરોનાના પોઝિટિવ કેસ મળી આવતા તંત્ર હરકતમાં આવ્યું હતું. બીજી તરફ હિરાના વેપારીઓએ કારખાનાઓ બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો. સુરતમાં હિરાના કારખાનાઓ બંધ રહેતા મોટી સંખ્યામાં રત્ન કલાકારો પરિવાર સાથે વતન જઈ રહ્યાં છે.