
સુરતમાં કોરોનાના કેસ વધતા હિરા બજાર બંધ કરવાનો કરાયો નિર્ણય
અમદાવાદ: સુરતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાવાયરસના કેસમા ચિંતાજનક વધારો થયો છે. એટલું જ નહીં હીરાના કારખાનામાં કામ કરતા કેટલા રત્ન કલાકારોમાં પોઝિટિવ કેસ મળી આવ્યા છે. મનપાની ટીમે હીરાના કારખાનાઓમાં તપાસ કરતા સોશિયલ ડિસ્ટન્સીંગ અને માસ્ક ના નિયમોનો ભંગ થતો હોવાનું સામે આવ્યું હતું. બીજી તરફ આગામી દિવસોમાં પણ કોરોના કેસમાં વધારો થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે હવે આગામી દિવસોમાં હીરા ઉદ્યોગ હાલ બંધ કરવાની વિચારણા ચાલી રહી છે.
લૉકડાઉનમાં છૂટછટ મળતાની સાથે શરૂ થયેલા ઉધોગોમાં ડાયમંડ ઉધોગ કોરોનાનું સુપર સ્પ્રેડર્સ બની રહેલાં હીરાના કારીગરોની સંખ્યા નિયંત્રણમાં નહીં આવતાં આગામી એકાદ બે દિવસમાં હીરા બજાર અને વધુ કેસ આવે છે તેવા કારખાના બંધ કરાવવા માટે વિચારણા થઈ રહી છે. મ્યુનિની ટીમે રવિવારે હિરા બજારમાં અને પોઝિટિવ કેસની હિસ્ટ્રીની તપાસ કરતાં સંક્રમણ હજી વધે તેવી શક્યતા જોવા મળી હતી. છેલ્લા પાંચ દિવસમાં હીરાના ધંધા સાથે સંકળાયેલા 200થી વધુ લોકોને કોરોના પોઝિટિવ આવ્યો છે. હીરાના કારખાનામાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ નહીં જળવાતા કતારગામ ઝોનમાં કેટલાક કારખાના બંધ કરવામાં આવ્યા હતા. દરમિયાન મનપાના આરોગ્ય વિભાગની ટીમ રવિવારે સુરતના હીરા બજારમાં તપાસ શરૂ કરી હતી. જેમાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના નિયમનો સરેઆમ ભંગ થતો હોવાનું બહાર આવ્યું હતું. મનપાની ટીમને હીરા બજારમાં અનેક ક્ષતિઓ દેખાતા આગામી એકાદ-બે દિવસમાં હીરા બજારને 5થી 10 દિવસ માટે બંધ કરવા માટે વિચારણા કરવા માં આવી રહી છે.