પશ્ચિમ બંગાળના દાર્જિલિંગમાં વરસાદનો કેર ચાલુ છે. પશ્ચિમ બંગાળને સિક્કિમ સાથે જોડનારા નેશનલ હાઈવે-10 પર સેવોકમાં ભૂસ્ખલન થયું છે. તેના કારણે સડક બંધ થઈ ગઈ છે અને લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે. પ્રશાસન તરફથી માર્ગ ખોલવાની કોશિશ થઈ રહી છે.
દાર્જિલિંગ નજીક સિલિગુડીમાં બુધવારે એક મોટી ઘટના બની, તેમાં બે પર્યટકો અને એક ડ્રાઈવર ગુમ થયા હતા. બંને પર્યટકો રાજસ્થાનના છે અને ડ્રાઈવર મલ્ટી યુટિલિટી વ્હીકલ ચલાવી રહ્યો હતો. દાર્જિલિંગની નજીક સોવેકમાં તેમની ગાડી તિસ્તા નદીમાં પડી ગઈ હતી. એક સ્થાનિક વ્યક્તિએ પોલીસને ઘટનાની જાણકારી આપી હતી.
ઘટનાસ્થળ પર પહોંચેલી પોલીસે ગાડીની નંબર પ્લેટ, તેની છત અને એક જોડી જૂતા જપ્ત કર્યા છે. પોલીસે આફત નિવારણ દળને આની જાણકારી આપી છે અને ગુમ થયેલા લોકોની તલાશીની કાર્યવાહી હાથ ધરાઈ છે. એવી આશંકા છે કે તિસ્તા નદીના તેજ પ્રવાહમાં ગાડી વહી ગઈ અને તેનો ત્રણ લોકો ભોગ બન્યા છે. જો કે પોલીસ અને બચાવ દળ ગાયબ લોકોની તલાશ કરી રહ્યા છે.