- દારા શિકોહના વ્યક્તિત્વ પર થશે પરિચર્ચા
- મુઘલ સમ્રાટ શાહજહાંના મોટા પુત્ર હતા દારા
- દારાની હત્યા કરી ઔરંગઝેબ બન્યો હતો મુઘલ સમ્રાટ
મુઘલ સમ્રાટ શાહજહાંના મોટા પુત્ર દારા શિકોહની સર્વધર્મ સમભાવની નીતિઓ પર સંઘ અને ભાજપના નેતાઓ દ્વારા ચર્ચા થવાની છે. આ કાર્યક્રમનું એકેડેમિક્સ ફોર નેશન નામના સંગઠન તરફથી બુધવારે આયોજન કરવામાં આવ્યું છે. નવી દિલ્હીની કોન્સ્ટીટ્યૂશન ક્લબમાં થનારી ચર્ચાનો વિષય છે- ભારતની સમન્વયવાદી પરંપરાના નાયક દારા શિકોહ પર પરિસંવાદ.
આ કાર્યક્રમમાં આરએસએસના સરકાર્યવાહ ડૉ. કૃષ્ણ ગોપાલ, કેન્દ્રીય પ્રધાન મુખ્તાર અબ્બાસ નક્વી, કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન, જેએનયુના પ્રોફેસર એનુલ હસન અને એડવોકેટ એહતેશામ આબિદી વક્તા તરીકે સામેલ થવાના છે.
દારા શિકોહ પર ચર્ચા શા માટે?
મુઘલ સમ્રાટ શાહજહાંના સૌથી મોટા પુત્ર દારા શિકોહ અને તેમની નીતિઓને આરએસએસ અને ભાજપનું સમર્થન મળતું રહ્યું છે. દારા શિકોહનો નાનો ભાઈ ઔરંગઝેબ છઠ્ઠો મુઘલ સમ્રાટ બન્યો હતો અને તેની ઓળખ હિંદુઓ પર અત્યાચાર કરનારની છે. જ્યારે દારા શિકોહની ઓળખ સહિષ્ણુતા માટે વિખ્યાત છે.
રાજગાદીની મમતને કારણે ઔરંગઝેબે પોતાના મોટા ભાઈ દારા શિકોહની કરપીણતાથી કત્લ કરી હતી. મુઘલ સમ્રાટ બન્યા બાદ ઔરંગઝેબે હિંદુઓ પર જજિયાકર લાગુ કરી દીધો હતો.
દારા શિકોહને ઈસ્લામ અને વેદાંતના એકીકરણની દિશામાં કામ કરવા માટે પણ ઓળખવામાં આવે છે. ઈતિહાસ પ્રમાણે, દારા શિકોહે 52 ઉપનિષદોનો અનુવાદ સીર-એ-અકબર એટલે કે સૌથી મોટું રહસ્યમાં કર્યો હતો. દારા શિકોહના જીવન પર હિંદુ અને સૂફી સંતોના તત્વચિંતનનો ઘેરો પ્રભાવ હતો.
વેદાંત અને સૂફીવાદ પર દારા શિકોહે પુસ્તકો લખ્યા છે. ઈતિહાસકારો પ્રમાણે, દારા શિકોહની ઘણી કૃતિઓ પર હિંદુ તત્વચિંતનની છાપ છે. આ તમામ બાબતો સાંસ્કૃતિક રાષ્ટ્રવાદીઓ અને તેના સંગઠન આરએસએસના રસનું કારણ છે.
2017માં સંઘના પ્રચારક ચમનલાલની સ્મૃતિમાં નવી દિલ્હીમાં આયોજીત કાર્યક્રમમાં પણ દારા શિકોહના વ્યક્તિત્વ પર ચર્ચા થઈ હતી. તે વખતે સંઘના સહસરકાર્યવાહ દત્તાત્રેય હોસબોલે અને મનમોહન વૈદ્ય, ભાજપના નેતા પિયૂષ ગોયલે ભાગ લીધો હતો.
પિયૂષ ગોયલે ત્યારે કહ્યુ હતુ કે દારા શિકોહના શાંતિ સંદેશ હિંદુત્વ અને ઈસ્લામના સહઅસ્તિત્વ પર આધારીત હતા. સૌનો સાથ-સૌનો વિકાસ સૂત્ર પણ દારા શિકોહની વિચારધારા અનુસાર જ છે. પિયૂષ ગોયલે ત્યારે દારા શિકોહને સાચ્ચો સેક્યુલર ગણાવ્યો હતો. આ કાર્યક્રમમાં પણ સંઘના ઘણાં મુખ્ય પદાધિકારીઓએ ભાગ લીધો હતો.
2016માં દિલ્હીમાં ઔરંગઝેબ રોડનું નામ બદલીને એપીજે અબ્દુલ કલામ માર્ગ કરવામાં આવ્યું હતું. આ મામલો ઘણો ચર્ચામાં રહ્યોહતો. તો તેના એક વર્ષ બાદ જ રાષ્ટ્રપતિ ભવન નજીકની ડેલહાઉસીની રોડનું નામ બદલીને દારા શિકોહ રોડ કરવામાં આવ્યું હતું.
ભાજપ સરકારમાં એક ભાઈનું નામ મિટાવવામાં આવ્યું અને અન્ય સડકનું નામ બીજા ભાઈના નામે કરી દેવામાં આવ્યું હતું. આ બંને નિર્ણયોમાંથી આરએસએસ અને ભાજપની નજરમાં દારા શિકોહ અને ઔરંગઝેબને લઈને ખ્યાલ સમજી શકાય છે. માનવામાં આવે છે કે સતત પરિચર્ચાઓ દ્વારા સંઘ અને ભાજપ દારા શિકોહ વિરુદ્ધ ઔરંગઝેબની ચર્ચા છેડીને કટ્ટરતાનું કાઉન્ટર કરવા ચાહે છે.
મુઘલ વંશ સાથે જોડાયેલા અને ઉદાર વિચારધારાના વાહક દારા શિકોહની વિચારધારાને સંઘ હંમેશા ઘણાં આયોજન દ્વારા પ્રમોટ કરતું રહ્યું છે. જાણકારો જણાવે છેકે સંઘ ચાહે છે કે દેશના મુસ્લિમ ખુદને દારા શિકોહના વિચાર અને પરંપરા સાથે ખુદને જોડે.