- કોરોના વાયરસ પર અંતિમ પ્રહારની તૈયારી
- દેશના કેટલાક રાજ્યોમાં કોરોનાના વધ્યા કેસ
- કોરોના વેક્સીનના વિતરણની બનશે રણનીતિ
- રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કરશે વર્ચ્યુઅલ બેઠક
દિલ્લી: દેશમાં કોરોનાએ ફરી હાહાકાર મચાવ્યો છે. દિનપ્રતિદિન કોરોનાના કેસમાં સતત વધારો થતો જોવા મળે છે. કોરોના સંક્રમણ વધતા જતા કેસો વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બે તબક્કામાં પ્રભાવિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વર્ચ્યુઅલ બેઠક કરશે. આ બેઠકમાં પીએમ મોદી દેશની કોરોનાની સ્થિતિ, તેની સામે લડવાની વ્યવસ્થા અને આગામી કોવિડ -19 વેક્સીનના વિતરણ અંગે ચર્ચા કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 10.30 વાગ્યે આઠ રાજ્યોના મુખ્યમંત્રી સાથે બેઠક કરશે. જ્યાં કોરોના સંક્રમણના કેસ સૌથી વધુ આવી રહ્યા છે. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે. આ બેઠકમાં વેક્સીન વિતરણની રણનીતિ પર ચર્ચા થઈ શકે છે. બેઠકમાં મહામારીને પહોંચી વળવાની રણનીતિ પણ બનાવવામાં આવશે. આ બેઠકમાં દેશ કોરોના મહામારીને કેવી રીતે હરાવી શકે તેની પણ ચર્ચા કરવામાં આવશે.
છેલ્લા કેટલાક દિવસોથી દેશભરમાં કોરોના વાયરસના સંક્રમણના કેસો 50,000 ની નીચે આવી રહ્યા છે, પરંતુ કેટલાક રાજ્યોમાં કોરોના સંક્રમણના કેસો ઝડપથી વધી રહ્યા છે. દેશના 5 રાજ્યોના છેલ્લા 5 દિવસના વલણ પર નજર કરીએ તો દિલ્હી પ્રથમ, કેરળ બીજા, પશ્ચિમ બંગાળ ત્રીજા, મહારાષ્ટ્ર ચોથા અને હરિયાણા પાંચમાં સ્થાને છે. જ્યાં કોરોનાના કેસો ઝડપથી વધી રહ્યા છે. પરંતુ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના સામે નિર્ણાયક યુદ્ધની તૈયારી કરી લીધી છે.
મળતી માહિતી મુજબ,કેન્દ્ર તરફથી સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે કે, જ્યારે પણ કોરોના વેક્સીન ઉપલબ્ધ થશે,ત્યારે તેની યોગ્ય રીતે વિતરણ કરવાની વ્યવસ્થા થઇ શકે છે. ભારતમાં હાલમાં પાંચ વેક્સીન તૈયાર હોવાની દિશામાં છે, જેમાંથી ચાર પરીક્ષણના બીજા કે ત્રીજા તબક્કામાં છે જ્યારે એક પહેલા કે બીજા તબક્કામાં છે. હાલમાં, કોરોના સાથે લડાઈ લડી રહેલ દેશ પણ આ બેઠકની રાહ જોઈ રહ્યો છે. કારણ કે મહામંથનથી મળનારી કોરોના વિજયના ફોર્મ્યુલાની દરેક રાહ જોઈ રહ્યું છે.
_Devanshi