દિલ્હીઃ ભારતમાં કોરોના મહામારીના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ત્યારે દર્દીઓ ઝડપથી સાજા થઈ જાય તે માટે પ્લાઝમા થેરાપીથી સારવાર કરવામાં આવી રહી છે. જો કે, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) દ્વારા કરવામાં આવેલા સ્ટડી પ્રમાણે પ્લાઝમા થેરાપી કોરોના પીડિત દર્દીનું મોત અટકાવવામાં કારગર સાબિત થતી નથી. જો કે, આ થેરાપીથી કોઈ દર્દીની હાલત ગંભીર હોય તો તેની તબીયત વધારે લથડતી અટકવામાં મદદ મળે છે.
ICMR દ્વારા દેશના 14 રાજ્યોની 39 હોસ્પિટલના 464 દર્દીઓ ઉપર પ્લાઝમા થેરાપીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ICMRએ ઈન્ટરવેંશન અને કોંટ્રોલ ગ્રુપ બનાવવામાં આવ્યું હતું. ઈન્ટરવેંશન ગ્રુપમાં 235 દર્દીઓને પ્લાઝમા આપવામાં આવ્યો હતો. જ્યારે કંટ્રોલ ગ્રુપમાં 229 દર્દીઓને પ્લાઝમા નહીં પરંતુ સ્ટાંડર્ડ સારવાર કરવામાં આવી હતી. બંને ગ્રુપમાં 28 દિવસ સુધી મોનિટરીંગ કરવામાં આવ્યું હતું. જેના પરિણામ અનુસાર પ્લાઝમા થેરાપી લેનાર 34 દર્દીઓના મોત થયાં હતા. જ્યારે પ્લાઝમા થેરાપી નહીં લેનાર 31 દર્દીઓના મોત થયાં હતા. તેમજ બંને ગ્રુપના 17-17 દર્દીઓની હાલત ગંભીર થઈ હતી.
આમ અભ્યાસ અનુસાર પ્લાઝમા થેરાપીથી દર્દીઓમાં ફાયદો થયો હતો. આ દર્દીઓમાં શ્વાસ લેવામાં પડતી સમસ્યામાં રાહત મળી હતી. પ્લાઝમા થેરાપીનો તાવ અને ખાંસી જેવા લક્ષણો કોઈ પ્રભાવ પડ્યો ન હતો.