1. Home
  2. revoinews
  3. કોરોના વાયરસઃ અમદાવાદમાં પ્રવેશ કરનારા તમામ લોકોનું કરાશે સ્ક્રિનિંગ
કોરોના વાયરસઃ અમદાવાદમાં પ્રવેશ કરનારા તમામ લોકોનું કરાશે સ્ક્રિનિંગ

કોરોના વાયરસઃ અમદાવાદમાં પ્રવેશ કરનારા તમામ લોકોનું કરાશે સ્ક્રિનિંગ

0
  • શહેરના તમામ પ્રવેશ માર્ગો ઉપર કરાશે તપાસ
  • મનપાની આરોગ્ય વિભાગની ટીમ રહેશે તૈનાત
  • કોરોનાનું સંક્રમણ અટકાવવા લેવાયો નિર્ણય

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. જો કે, અમદાવાદવાસીઓ માટે રાહતની વાત એ છે કે, કોરોનાનું સંક્રમણ શહેરમાં ધીરે-ધીરે ઘટી રહ્યું છે. જુલાઈ મહિનામાં કોરોના વાયરસના કેસમાં જોરદાર ઘટાડો થયો છે. ત્યારે ફરી એકવાર કોરોનાનું સંક્રમણ અમદાવાદમાં ન ફેલાય તે માટે એએમસી દ્વારા કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવી રહ્યું છે. ત્યારે હવે બહારથી અમદાવાદ આવતા તમામ લોકોનું ફરજીયાત સ્ક્રિનીંગ કરવામાં આવશે. અમદાવાદ શહેરના પ્રવેશ દ્વારા ઉપર જ મનપાની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા બહારથી આવતા તમામ લોકોનું સ્ક્રિનીંગ કરવામાં આવશે.

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધારે ન ફેલાય તે માટે તંત્ર દ્વારા વડોદરા એક્સપ્રેસ હાઈવે પર બહારથી આવતા તમામ પ્રવાસીઓનું રેપીડ ટેસ્ટીંગ કીટ મારફતે ચેકીંગ કરવામાં આવે છે. આ ઉપરાંત એસટી સ્ટેન્ડ ઉપર મનપાની ટીમ દ્વારા બહારથી આવતા મુસાફરોનું મેડિકલ ચેકઅપ કરવામાં આવે છે. જો રેપીડ ટેસ્ટમાં રિપોર્ટ પોઝિટિવ મળી આવે તો જે તે મુસાફરને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ મોકલી આપવામાં આવે છે. શહેરના એસટી સ્ટેન્ડ અને નેશનલ હાઈવે સહિતના સ્થળો પર અત્યાર સુધીમાં 1455 જેટલા લોકોના ટેસ્ટ કરવામાં આવ્યાં છે. જે પૈકી 15થી વધારે લોકોના રિપોર્ટ પોઝિટિવ મળી આવતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ મોકલી આપ્યાં હતા. ત્યારે અમદાવાદ શહેરમાં કોરોના વાયરસનું સંક્રમણ ન ફેલાય તે માટે શહેરના તમામ પ્રવેશ માર્ગો ઉપર બહારથી આવતા લોકોનું સ્ક્રિનિંગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી શહેરના તમામ પ્રવેશ માર્ગ ઉપર મનપાની આરોગ્ય વિભાગની ટીમો તૈનાત કરશે.

અત્રે ઉલ્લેખનીય છે, રાજ્યના ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોના વાયરસનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. ત્યારે ભરૂચ, વડોદરા અને સુરતથી અમદાવાદ આવતી એસટી બસ સેવા પણ બંધ કરવામાં આવી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.