અમદાવાદઃ ગુજરાતની મેગાસિટી અમદાવાદમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. જેથી પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે એગ્રેસિવ ટેસ્ટીંગ હાથ ધરવામાં આવ્યું હતું. શહેરના બોટકદેવ અને ચાંદલોડિયા વિસ્તારમાં લગભગ 24 હજાર ટેસ્ટ કરવામાં આવ્યાં હતા. જેમાં 452 જેટલા પોઝિટિવ કેસ મળી આવ્યાં હોવાનું જાણવા મળે છે. જો કે, મનપા તંત્ર દ્વારા આ આંકડાને છુપાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાંનું ચર્ચાય રહ્યું છે. બીજી તરફ શહેરમાં માઈક્રો કન્ટેઈનમેન્ટ વિસ્તારમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે.
સુત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદ શહેરમાં અનલોકમાં વેપાર-ધંધા શરૂ થતા ફરી એકવાર કોરોનાનું સંક્રમણ વધારે ફેલાય તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. ત્યારે મનપા તંત્ર દ્વારા શહેરમાં પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે એગ્રેસિવ ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું છે. શહેરના ચાંદલોડિયા અને બોટકદેવ વિસ્તારમાં વિવિધ સોસાયટીઓ અને એપાર્ટમેન્ટમાં મનપાની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી. લગભગ 20 હજારથી વધારે લોકોનું ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં પોઝિટિવ કેસ મળી આવ્યાં હોવાનું જાણવા મળે છે. જો કે, આ અંગે મનપા તંત્ર દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
દરમિયાન અમદાવાદ મનપા દ્વારા માઈક્રો કન્ટેઇનમેન્ટ વિસ્તારમાં ઘટાડો કરવામાં આવ્યો છે. શહેરમાં 28 વિસ્તારોને માઈક્રો કન્ટેઈનમેન્ટ વિસ્તારમાંથી દૂર કરવામાં આવ્યાં છે. બીજી તરફ નવા 24 વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. હાલ શહેરમાં માઈક્રો કન્ટેઈનમેન્ટમાં 374 વિસ્તારનો સમાવેશ થાય છે.