લોકસભા ચૂંટણીમાં નેતાઓની બેફામ નિવેદનબાજીઓ અટકવાનું નામ નથી લઈ રહી. આ લિસ્ટમાં હવે કેન્દ્રીય મંત્રી મનોજ સિન્હા પણ સામેલ થઈ ગયા છે. તેમણે પોતાના સંસદીય વિસ્તારમાં કહ્યું છે કે બીજેપી કાર્યકર્તાઓ પર જો કોઈએ આંગળી ઉઠાવી તો ભરોસો રાખજો 4 કલાકમાં તે આંગળી સલામત નહીં રહે.
ન્યુઝ એજન્સી એએનઆઇએ જણાવ્યા પ્રમાણે, કેન્દ્રીય મંત્રીએ આ નિવેદન ગુરૂવારે ગાજીપુરમાં આયોજિત એક સભામાં આપ્યું છે. આ સાથે જ તેમણે કહ્યું છે કે કોઈપણ પૂર્વાંચલનો અપરાધી કે કોઈની ઓકાત નથી કે ગાજીપુરની સરહદમાં પ્રવેશીને બીજેપી કાર્યકર્તાની તરફ આંખ ઉઠાવીને જુએ. જો આંખ બતાવશે તો તે આંખ સલામત નહીં રહે.
આ પહેલા મનોજ સિન્હાએ કહ્યું કે બીજેપીના કાર્યકર્તાઓ અપરાધથી મેળવેલું ધન અને ભ્રષ્ટાચારને જમીનદોસ્ત કરવા માટે તૈયાર છે. મનોજ સિન્હાએ આપેલા આ ધમકીભર્યા નિવેદનની ચારેબાજુ ચર્ચા ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા ચૂંટણીપંચ તરફથી વિવાદાસ્પદ નિવેદન આપનારા નેતાઓ પર બોલવા માટે પ્રતિબંધ લાગી ચૂક્યો છે જેમાં માયાવતી પર 48 કલાક અને ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ પર 72 કલાક સુધી બોલવા તેમજ ચૂંટણી પ્રચાર પર રોક લગાવી દીધી હતી. પરંતુ એવું લાગી રહ્યું છે કે નેતાઓ નિવેદનો આપવામાં મર્યાની સરહદ પાર કરતા જરા પણ અચકાતા નથી.