બિહારના વિવાદાસ્પદ અપક્ષ ધારાસભ્ય અને બાહુબલી અનંત સિંહે શુક્રવારે દિલ્હીની એક કોર્ટ સમક્ષ આત્મસમર્પણ કર્યું છે. અનંત સિંહના ઘરેથી 16 ઓગસ્ટે એક એકે-7 રાઈફલ જપ્ત કરવામાં આવી હતી અને ત્યારથી તે ફરાર ચાલી રહ્યા હતા.
તેમના વકીલ જ્ઞાનેન્દ્ર મિશ્રાએ કહ્યુ છે કે અનંત સિંહ મેટ્રોપોલિટન મેજીસ્ટ્રેટ હારુન પ્રતાપ સમક્ષ રજૂ થયા અન દાવો કર્યો કે તેમને રાજકીય કિન્નાખોરીના કારણે મામલામાં ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે. મિશ્રાએ ક્હ્યુ છે કે કોર્ટે દિલ્હી પોલીસને તેમને ઝડપથી પુરી સુરક્ષા સાથે બિહાર સંબંધિત અદાલતમાં રજૂ કરવા માટે નિર્દેશ આપ્યા છે.
વકીલનો આરોપ છે કે અનંત સિંહને બિહારમાં પોતાના જીવને જોખમ હતું અને માટે તે દિલ્હીની કોર્ટમાં આત્મસમર્પણ કરવા ચાહતા હતા. અનંત સિંહના પૈતૃક ઘરમાંથી એક એકે-7 અને ગ્રેનેડ જપ્ત થયા બાદ તેમની વિરુદ્ધ આતંકવાદ વિરોધી કાયદો- ગેરકાયદેસર ગતિવિધિઓ (નિરોધક) અધિનિયમ (યુએપીએ) હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી હતી. મોકામાથી અપક્ષ ધારાસભ્ય અનંત સિંહના ઘર પર પોલીસે દરોડાની કાર્યવાહી કરી હતી.