અમદાવાદઃ ગુજરાતમાં વિવિધ ખાદ્ય તેલનું ઉત્પાદન થતું હોવા છતા કપાસિયા તેલનો વપરાશ વધ્યો છે. રાજ્યમાં લગભગ 75 ટકાથી વધુ વપરાશ થાય છે. જેની સામે સિંગતેલનો માત્ર 7થી 8 ટકા જેટલો વપરાશ થાય છે.
ગુજરાત ખાદ્યતેલના સતત વધી રહેલા ઉત્પાદનની સાથે નિકાસમાં અગ્રેસર છે. રાજ્યમાં મગફળીનું જંગી ઉત્પાદન થાય છે. જેની સામે ચીનમાં પણ નિકાસ વધી છે જેથી ભાવમાં વધારો થયો છે. ગુજરાત દિવેલ અને સિંગતેલના નિકાસમાં મોખરે છે પરંતુ સિંગતેલના ભાવમાં થઈ રહેલા સતત વધારાના કારણે તેનો વપરાશ અપર મિડલ ક્લાસ પુરતો મર્યાદીત રહ્યો છે. જેની સામે કપાસિયા તેલનો વપરાશ વધ્યો છે. હવે સિંગતેલ અને કપાસિયા તેલની સાથે રાઈસબ્રાન ઓઈલનું પણ ચલણ વધ્યું છે.
દેશમાં 3 ટકા લોકો સિંગતેલનો વપરાશ કરે છે. જ્યારે ગુજરાતમાં 7થી 8 ટકા લોકો તેનો વપરાશ કરે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વિશ્વમાં એરંડાના ઉત્પાદનમાં ભારત ટોચ ઉપર છે. તેમાં ગુજરાત પ્રથમ ક્રમે છે. સમગ્ર દેશમાં 75 ટકા જેટલું એરંડાનું ઉત્પાદન માત્ર ગુજરાતમાં જ થાય છે.