Site icon hindi.revoi.in

સંવિધાન: દેશદ્રોહ કે રાજદ્રોહ – કોણ નક્કી કરશે?

Social Share

મિતેષ એમ. સોલંકી

થોડા વર્ષોથી દેશમાં બે શબ્દો પ્રચલિત બન્યા છે – દેશદ્રોહ અને રાજદ્રોહ. આજના લેખમાં આગળ વધતા પહેલા આપણે આ બંને શબ્દોને થોડો સમજવાનો પ્રયત્ન કરી લઈએ..

દેશદ્રોહ એટલે ભારતદેશનો નાગરિક જો દેશ સાથે વિશ્વાસઘાત કરે, દેશને નુકશાન પહોંચાડવાનું કૃત્ય કરે, તો દેશદ્રોહ કહેવાય જે ખૂબ ગંભીર બાબત કહેવાય.

રાજદ્રોહ એટલે સ્થાપિત સરકાર સામે ધિક્કાર/તિરસ્કાર/અનાદર કરવો. કલમ-૧૨૪-A રાજ્દ્રોહને વ્યાખ્યાયિત કરે છે. જો કોઈ વ્યક્તિ બોલેલા, લખેલા શબ્દો કે ચિહ્નો વડે અથવા જોઈ શકે તેવી નિશાનીઓ દ્વારા ભારતમાં કાયદાથી સ્થપાયેલી સરકાર પ્રત્યે ધિક્કાર અથવા તિરસ્કાર કે અનાદર પેદા કરે અથવા તેમ કરવાનો પ્રયત્ન કરે તો તે રાજદ્રોહ કહેવાય છે.

કલમ-૧૨૪-A, લોકશાહીના પાયારૂપ સિદ્ધાંત – અભિવ્યક્તિની સ્વતંત્રતા [આર્ટીકલ-૧૯(૧)] પર નિયંત્રણ મુકતી હોય તેવો ભાવ ઉત્પન્ન થાય છે. લોકશાહીમાં વ્યક્તિને પોતાની અસહમતી પ્રદર્શિત કરવાનો મૂળભૂત અધિકાર છે. આ કલમની અસ્પષ્ટ જોગવાઈના કારણે જ સર્વોચ્ચ અદાલતે ઇન્ફોર્મેશન એક્ટની કલમ ૬૬-Aને પણ રદ કરવાનો આદેશ આપ્યો. તે સમયે ઘણા લોકોએ કલમ-૧૨૪-Aને પણ રદ કરવાની માંગ કરી હતી.

આ કલમના આધારે વ્યક્તિને જન્મટીપ અને દંડ અથવા ત્રણ વર્ષ સુધીની કેદ અને દંડ થઇ શકે છે. ૧૨૪-A પોલીસ અધિકારનો ગુનો બને છે જે બિનજામીનપાત્ર ગુનો છે.

આ કલમ અંતર્ગત પોલીસને કેટલાક અબાધિત અધિકાર મળી જાય છે તેમજ સરકાર સાથે અસહમતી ધરાવતા/દર્શાવતા લોકોને કાયદાકીય રીતે હેરાન કરવાના દ્રષ્ટાંત પણ જોવા મળે છે. આ કલમ અંગે કેટલાક સ્પષ્ટીકરણ અહીં જાણી લેવા જરૂરી છે.

નીચે દર્શાવેલ સ્પષ્ટીકરણ સામાન્ય લોકો નથી જાણતા અને તેથી કલમનો દુરુપયોગ થાય તો પણ સમજી શકતા નથી.

(૧) સ્થાપિત સરકાર સામેની બિનવફાદારી અને દુશ્મનાવટની દરેક લાગણીનો આ કલમમાં સમાવેશ થાય છે.

(૨) સરકારના પગલામાં ધિક્કાર, તિરસ્કાર અને બિનવફાદારી ફેલાવ્યા વગર નાપસંદવાળી ટીકા કલમમાં ગુનો બનતી નથી.

(૩) સરકારના વહીવટી અથવા બીજા કાર્યો પ્રત્યે ધિક્કાર, તિરસ્કાર કે બિનવફાદારી ફેલાવ્યા વગર નાપસંદ કરતી ટીકા ગુનો બનતો નથી.

વાસ્તવમાં આ કલમની જોગવાઈઓ સ્પષ્ટ ન હોવાથી શબ્દોનો અર્થ ઘણીરીતે કરી શકાય છે અને તેની આડમાં કલમનો ઉપયોગ/દુરુપયોગ કરવો સરળ છે.

સ્વતંત્રતા મળી તે પહેલાથી લઈને આજ સુધીમાં ઘણા લોકોની આ કલમની આડમાં ધરપકડ કરવામાં આવી છે. જેમાં સામાજિક સેવક, નેતા, આંદોલનકર્તા, પત્રકાર, શિક્ષક તેમજ વિદ્યાર્થીનો પણ સમાવેશ થાય છે.

કલમ-૧૨૪-Aનો ઈતિહાસ અને ઉદભવ

ઉપરોક્ત કલમ વર્ષ ૧૮૭૦માં બ્રિટીશ સરકાર દ્વારા ભારતમાં લાગુ કરવામાં આવી. પરંતુ તે ચર્ચાનો મુદ્દો ત્યારે બની જયારે વર્ષ ૧૯૦૮માં બાળગંગાધર તિલકને પોતાના સમાચારપત્ર કેસરીમાં એક લેખ લખવાના કારણે છ વર્ષની સજા આપવામાં આવી. આ લેખનું શીર્ષક હતું – “દેશનું દુર્ભાગ્ય”

આ ઉપરાંત વર્ષ ૧૯૨૨માં મહાત્મા ગાંધીને પણ કલમ-૧૨૪-A અંતર્ગત આરોપી બનાવવામાં આવ્યા હતાં કારણ કે તેમણે અંગ્રેજ સરકારના વિરોધમાં ત્રણ લેખ લખ્યા હતાં. ત્યારે ગાંધીજીએ પણ આ કલમની આલોચના કરી હતી અને કહ્યું હતું કે કલમ-૧૨૪-A ભારતીય લોકો માટે દમનકારી છે.

સ્વતંત્રતા પછી વડાપ્રધાન શ્રીજવાહરલાલ નહેરુએ પણ કહેલું કે જો તેમનું ચાલે તો તેઓ કલમ-૧૨૪-Aને રદ કરી દે.

શા માટે આ કલમ રદ કરવી જરૂરી છે?

(૧) આગળ જણાવ્યું તેમ બંધારણ દ્વારા મળેલ અભિવ્યક્તિની સ્વતંત્રતાનું દમન કરે છે. તજજ્ઞોની દલીલ એવી છે કે બંધારણના આર્ટીકલ-૧૯(૧)-અ માં પહેલાથી જ અભિવ્યક્તિની સ્વતંત્રતા પર વ્યાજબી નિયંત્રણ મુકવામાં આવેલ છે તો પછી કલમ-૧૨૪-Aની જરૂર દેખાતી નથી.

(૨) ધાર્મિક ઉન્માદ ફેલાવવા માટે, સામાજિક દ્વેષ ફેલાવવા માટે, શાંતિ અને વ્યવસ્થાને નુકશાન પહોંચાડવાની બાબત માટે તેમજ કોઈની પ્રતિષ્ઠાને નુકશાન પહોંચાડવા જેવા ગુના માટે ભારતીય દંડ સંહિતા (IPC)માં અલગ અલગ કલમની જોગવાઈઓ આપેલી જ છે તેથી કલમ-૧૨૪-Aની જરૂર જણાતી નથી.

એવો એક તર્ક પણ પ્રચલિત છે કે કલમ-૧૨૪-A એટલા માટે રાખવામાં સરકારને રસ છે કારણ કે આ કલમની આડમાં એવા લોકોને નિયંત્રણમાં રાખી શકાય છે જે સરકાર વિરુદ્ધ પોતાની ભાવનાઓ વ્યક્ત કરતા હોય. ઉદાહરણ તરીકે જાણીતા કાર્ટૂનિસ્ટ અસીમ ત્રિવેદીએ સંસદભવનનું એક કાર્ટૂન બનાવતા વર્ષ ૨૦૧૨માં મહારાષ્ટ્રની સરકારે દેશદ્રોહ(?)નો આરોપ લગાવી તેમની ધરપકડ કરી હતી. તે સમયે સર્વોચ્ચ અદાલત તેમજ પ્રેસ કાઉન્સિલના તત્કાલીન અધ્યક્ષ માર્કંડેય કાત્જુએ આ ધરપકડને ગેરકાયદેસર ઠેરવી હતી. તેમણે જણાવ્યું હતું કે જો અસીમ ત્રિવેદી સામે ગુનો જ દાખલ કરવો હતો તો “રાષ્ટ્રીય સન્માનના અપમાન બાબતના કાયદા” (Insulting of National Honor Act) અંતર્ગત કાર્યવાહી કરવી જોઈતી હતી. ચારેબાજુથી જયારે સરકાર પર દબાણ વધ્યું ત્યારે મહારાષ્ટ્ર સરકારે તેમ કરવું પણ પડ્યું હતું.

આ કલમનો વિરોધ કરનાર વર્ગ એક એવો તર્ક પણ આપે છે કે કોઈપણ લોકશાહીમાં નાગરિકોને મળતા બધા અધિકારોમાં સૌથી મોટો અધિકાર અસહમતી પ્રદર્શિત કરવાનો છે. જો દેશના કોઈ નાગરિકને લાગે કે દેશની વ્યવસ્થામાં કોઈ ખામી છે તો તેનો વિરોધ કરી શકે છે. પરંતુ આ વિરોધને દેશપ્રેમ/દેશભક્તિની એરણ પર ચડાવીને રાજદ્રોહના ગુનાને દેશદ્રોહનો ગુનો સાબિત કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે.

જાણીતા સમાજશાસ્ત્રી આશિષ નંદીનું ઉદાહરણ જોઈએ. ગુજરાતના હુલ્લડો ઉપર ગુજરાત સરકારની ટીકા કરતો એક લેખ તેમણે લખ્યો હતો ત્યારે તત્કાલીન સરકારે વર્ષ ૨૦૦૮માં આશિષ નંદી ઉપર દેશદ્રોહનો ગુનો નોંધ્યો હતો. ત્યાર બાદ સર્વોચ્ચ અદાલતે આ બાબતે સરકારને કડક ઠપકો આપ્યો હતો અને ચુકાદાને હાસ્યાસ્પદ ગણાવ્યો હતો. આ પ્રકારના તો ઘણા ઉદાહરણ મળી રહે જેમકે છત્તીસગઢના સામાજિક કાર્યકર વિનાયક સેન, ઉત્તરપ્રદેશમાં પત્રકાર સીમા આઝાદ, હરિયાણાના હિસ્સાર વિસ્તારમાં કેટલાક દલિતો પર દેશદ્રોહના ગુના દાખલ કરવામાં આવ્યા હતાં.

સૌથી મોટો પ્રશ્ન એ જ છે કે વિશ્વની સૌથી મોટી લોકશાહીનો દાવો કરતા ભારત દેશમાં “દેશદ્રોહ” જેવા શબ્દને શા માટે સ્થાન મળવું જોઈએ? આ પ્રશ્ન પૂછવાનું કારણ એ છે કે કલમ-૧૨૪-A ભારતને ભેંટ આપનાર ઇંગ્લેન્ડ દેશમાં પણ આ કલમ રદ કરી દેવામાં આવી છે.

અત્યાર સુધીમાં કલમ-૧૨૪-Aને લઈને ક્યા પગલા લેવામાં આવ્યા છે?

કલમ-૧૨૪-Aની અસ્પષ્ટ જોગવાઈઓને દુર કરવા માટેની માંગ લાંબા સમયથી કરવામાં આવી રહી છે.

૧૯૬૦ના દશકમાં સર્વોચ્ચ અદાલતે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો. આ ચુકાદો વર્ષ ૧૯૬૨માં “કેદારનાથ સિંહ વિરુદ્ધ બિહાર સરકાર” કેસમાં આપવામાં આવ્યો હતો. આ કેસ અંતર્ગત સર્વોચ્ચ અદાલતે સુનવણી દરમિયાન કલમ-૧૨૪-Aની તપાસ કરી હતી અને સ્પષ્ટ કર્યું હતું કે કલમ-૧૨૪-A બંધારણ સાથે સુસંગત તો છે પરંતુ તેની મર્યાદા નક્કી કરી દીધી હતી. સર્વોચ્ચ અદાલતે પોતાના ચુકાદામાં સ્પષ્ટ કર્યું હતું કે કોઈ વ્યક્તિને દેશદ્રોહી ત્યારે જ માની શકાય જયારે તેના કૃત્યના કારણે ખૂબ મોટાપ્રમાણમાં હિંસા ભડકી હોય. તેનો અર્થ કે જ્યાં સુધી સુરક્ષાનું સંકટ સાબિત ન થાય ત્યાં સુધી કોઈપણ કૃત્યને દેશદ્રોહની શ્રેણીમાં મૂકી શકાય નહીં.

વર્ષ ૨૦૧૧માં પણ સર્વોચ્ચ અદાલતે એક ચુકાદામાં કહ્યું કે અન્ય કલમની જેમ જ કલમ-૧૨૪-Aને પણ નાગરિકોના મૂળભૂત અધિકારોની સાથે અનુકુળ થાય તે રીતે જોવી જોઈએ. એક રીતે ઉપરોક્ત વિધાનો ૧૨૪-Aમાં સંશોધન કહી શકાય. તેમ છતાં દેશદ્રોહના આરોપ અંતર્ગત ધરપકડ કરેલા વ્યક્તિની બાબતમાં ઉપરોક્ત ચુકાદાઓની ટીકાનું પાલન કરવામાં આવતું નથી.

વર્ષ ૨૦૧૨માં કુડનકુલમ પરમાણું પ્લાન્ટનો વિરોધ કરનાર સાત હજાર પ્રદર્શનકારીઓ પર તમિલનાડુ સરકારે દેશદ્રોહનો આરોપ લગાવ્યો હતો.

રાષ્ટ્રીય ગુના નોંધણી વિભાગ (National Crime Record Bureau) મુજબ વર્ષ ૨૦૧૪ દરમિયાન જ કુલ ૪૭ દેશદ્રોહની ફરિયાદ થઇ અને ૫૮ ધરપકડ કરવામાં આવી જેમાંથી માત્ર ૧ વ્યક્તિ ઉપર જ ગુનો સાબિત થઇ શક્યો.

શું આ સંજોગોમાં એકવાર ફરીથી કલમ-૧૨૪-Aની જરૂરિયાત, ઉપયોગિતા, અસરકારતા અને મર્યાદાઓ સ્પષ્ટ રીતે નક્કી કરવાનું જરૂરી નથી લાગતું?

Exit mobile version