Site icon hindi.revoi.in

સંવિધાન: કેશવાનંદ ભારતી કેસ

Social Share

મિતેષ એમ. સોલંકી

પ્રસ્તાવના

તાજેતરમાં જ 79 વર્ષની ઉંમરે એડનીર મઠ (કાસારગોડ જિલ્લો, કેરલ)ના સર્વેસર્વા શ્રી કેશવાનંદ ભારતીનું અવસાન થયું. તેઓ અદ્વૈતવાદના અનુયાયી હતાં. આજે એમને યાદ કરવાનું મુખ્ય કારણ કે તેમણે એક દિવાની પિટિશન દ્વારા ભારતનાના બંધારણ માટે અગત્યનો ચુકાદો અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમની પિટિશનના કારણે ભારતના બંધારણના મૂળભૂત ઢાંચાની થિયરી સ્થાપિત થઈ તેમ કહેવું અતિશયોક્તિ નહીં કહેવાય.

કેશવાનંદ ભારતીના કેસની પૃષ્ઠભૂમિ

ભારતની લોકશાહી રાજ્ય વ્યવસ્થામાં સમયાંતરે સરકાર અને સુપ્રીમ કોર્ટ વચ્ચે સત્તા માટે સતત ઘર્ષણ થતું રહ્યું છે. આ ખેંચતાણ સ્વાભાવિક છે કારણ કે સરકાર સત્તાના ઉપયોગથી ઘણું કરવા ઇચ્છતી હોય પરંતુ દરેક વખતે સરકાર જે કરે તે લોકશાહી તેમજ બંધારણના હિતમાં જ હોય તે જરૂરી નથી તેથી આપણા બંધારણના ઘડવૈયાઓએ સરકારની સત્તા પર નિયંત્રણ રાખવા માટે બંધારણના રક્ષણની જવાબદારી ન્યાયતંત્રને સોંપી છે. આ સત્તાની ખેંચતાણ આમ જુવો તો વર્ષ-1951ના શંકરીપ્રસાદ કેસથી શરૂ થયું એમ કહી શકાય. શંકરીપ્રસાદના કેસમાં મૂળભૂત અધિકાર કરતાં રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને વધારે પ્રાધાન્ય આપવામાં આવ્યું.

ત્યાર બાદ વર્ષ-1967ના ખૂબ જાણીતા ગોલકનાથ કેસના ચુકાદામાં રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કરતાં નાગરિકના મૂળભૂત અધિકારને વધારે મહત્વ આપવામાં આવ્યું.

અંતે ફરી વર્ષ-1969ના કેશવાનંદ ભારતીના કેસમાં સંસદ કરતાં સુપ્રીમ કોર્ટે પોતાની સત્તામાં વધારો કર્યો અને ત્યાંથી જ બંધારણના મૂળભૂત ઢાંચા શબ્દસમૂહનો જન્મ પણ થયો.

કેશવાનંદ ભારતી કેસ શું હતો?

કેરળના જમીન સુધારણા કાયદા-1963માં વર્ષ-1969માં સુધારો કરવામાં આવ્યો અને તેના આધારે વર્ષ-1970 એડનીર મઠની સંપત્તિનું સંપાદન કરી લેવામાં આવ્યું અને તેની સામે કેશવાનંદ ભારતીએ કેરળ હાઈકોર્ટમાં કેસ કર્યો હતો. તેમણે પોતાની પિટિશનમાં બંધારણમાં મુખ્યત્વે આર્ટીકલ-26નો આધાર લીધો હતો.

આર્ટીકલ-26 શું કહે છે? – ધાર્મિક સંસ્થાના વહીવટ કરવા અંગે જોગવાઈ કરે છે.

ઉપરોક્ત આર્ટીકલમાં મુખ્યત્વે ચાર જોગવાઈ કરવામાં આવેલ છે.

26(1) – નાગરિક ધાર્મિક અથવા સેવાકીય હેતુથી સંસ્થાની સ્થાપના કરી શકે છે અને તેમજ તેનું નિયંત્રણ પણ કરી શકે છે.

26(2) – ધર્મ સાથે જોડાયેલ કોઈપણ બાબતનું વ્યવસ્થાપન કરવું તે નાગરિકનો અધિકાર છે.

26(3) – ધાર્મિક સંસ્થા સ્થાવર અને જંગમ મિલકતની ખરીદ/વેંચ કરી શકે છે.

26(4) – ઉપરોક્ત તમામ પ્રવૃતિઓ સંસ્થા રાજ્યના તત્કાલિન કાયદાની મર્યાદામાં રહીને કરે છે.

કેસનો ચુકાદો

ભારતના ન્યાયિક ઇતિહાસમાં કેશવાનંદ ભારતી કેસ માટે સુપ્રીમ કોર્ટમાં સૌથી મોટી ન્યાયિક ખંડપીઠ રચવામાં આવી હતી. જેમાં કુલ 13 ન્યાયધીશ હતાં. આ જાણીતી ન્યાયિક લડતમાં કેશવાનંદ ભારતી તરફથી સુપ્રીમ કોર્ટમાં દલીલ કરનાર વકીલ-નાની પાલખીવાલા હતાં. આ ચુકાદામાં 7 ન્યાયધીશ કેશવાનંદ ભારતીની તરફેણમાં હતાં અને 6 ન્યાયધીશે વિરુદ્ધ મત પ્રગટ કર્યો હતો. આમ માત્ર એક ન્યાયધીશના તફાવતથી આ કેસ કેશવાનંદ ભારતી જીતી ગયા. આ ચુકાદા વખતે સર્વોચ્ચ મુખ્ય ન્યાયધીશ શ્રી એસ. એમ. સીકરી હતાં.

કેશવાનંદ ભારતી કેસનો ચુકાદો કુલ આઠ ભાગમાં તારીખ 24-એપ્રિલ-1973ના રોજ આપવામાં આવ્યા છે.

(1) કેસની પ્રસ્તાવના (2) ગોલકનાથ કેસના ચુકાદાનું અર્થઘટન કરવામાં આવ્યું (3)આર્ટીકલ-368નું સુધારા પહેલાનું અર્થઘટન કરવામાં આવ્યું (4) 24માં બંધારણીય સુધારાની યોગ્યતા તપાસવામાં આવી. (5) 25માં બંધારણીય સુધારાની બીજી જોગવાઈની યોગ્યતા તપાસવામાં આવી (6)  25માં બંધારણીય સુધારાની ત્રીજી જોગવાઈની યોગ્યતા તપાસવામાં આવી. (7) 29માં બંધારણીય સુધારાની યોગ્યતા ચકાસવામાં આવી (8) કેસનું સમાપન આપવામાં આવ્યું.

સંતુલિત અને સમાધાનકારી ચુકાદો

ઉપરોક્ત કેસના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે સરકાર દ્વારા કરવામાં આવેલ 24 અને 25માં બંધારણીય સુધારાને સ્વીકૃતિ આપી પરંતુ સાથે સાથે એવી સ્પષ્ટતા પણ કરી કે કે જોઈ કોઈ બંધારણીય સુધારો “બંધારણના મૂળભૂત ઢાંચા”ને અસરકર્તા હશે તો સુપ્રીમ કોર્ટ તે સુધારાની સમીક્ષા કરી શકશે એટલું જ નહીં તે સુધારાને લાગુ થતો પણ અટકાવી શકશે. આ વાક્યના કારણે બંધારણ ઉપર એક પ્રકારનું રક્ષણાત્મક કવચ બની ગયું – એક ઢાલ બની ગઈ. સાથે સાથે સંતુલન જાળવવા માટે સુપ્રીમ કોર્ટે કેટલીક બીજી બાબતો પણ સ્પષ્ટ કરી જેમ કે મૂળભૂત અધિકારમાં સંસદ ફેરફાર કરી શકે છે પરંતુ તે ફેરફાર આમુખમાં દર્શાવવામાં આવેલ વિચાર/ફિલસૂફી સાથે સુસંગત હોય તે આવશ્યક છે. જો બંધારણીય સુધારો આમુખના વિચારોથી સ્વભાવે વિપરીત હશે તો સુપ્રીમ કોર્ટ તે સુધારાને અટકાવી શકશે. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં એ પણ જણાવ્યુ કે કોઈપણ સંજોગોમાં સંસદ નાગરિકને મળેલા મૂળભૂત અધિકાર દૂર તો કરી જ ના શકે.

આ ઉપરાંત આપણે જાણીએ છીએ કે એક સંતુલિત અને કલ્યાણકારી રાજ્યની રચના કરવા માટે સરકારે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અનુસાર કામગીરી કરવાની હોય છે અને કલ્યાણ રાજ્યની રચના માટે જરૂર પડે તો સંસદ બંધારણમાં જરૂરી ફેરફાર કરી શકે છે પરંતુ ફરી યાદ રાખવું કે આ ફેરફાર મૂળભૂત ઢાંચાને સ્પર્શતા હોવા જોઈએ નહીં.

લટકતી તલવાર

તેથી જો આપણે કેશવાનંદ ભારતીના ચુકાદાને ધ્યાનથી જોઈએ તો સુપ્રીમ કોર્ટે – મૂળભૂત ઢાંચા શબ્દરૂપી એક લટકતી તલવાર રાખી દીધી. કારણ કે “બંધારણના મૂળભૂત ઢાંચા”ની કોઈ સ્પષ્ટ વ્યાખ્યા બંધારણમાં કરવામાં આવી નથી અને આ વ્યાખ્યાને મર્યાદિત પણ કરી શકાય નહીં. કદાચ તમને પ્રશ્ન થાય કે શા માટે “મૂળભૂત ઢાંચા”ની વ્યખ્યા ન કરી શકાય? કારણ કે આપણું બંધારણ સ્વભાવે પરીવર્તનશીલ છે અને સમયાંતરે સમાજની સાથે સાથે વિચારોમાં પણ ઉત્ક્રાંતિ આવતી રહે છે પરિણામે ભવિષ્યમાં જ્યારે જ્યારે બંધારણના મૂળભૂત ઢાંચા શબ્દની વ્યાખ્યા કરવાની જરૂર પડશે ત્યારે ત્યારે ન્યાયતંત્ર તે કરતું રહેશે.

ટૂંકમાં કહી કહી શકાય કે લટકતી તલવારનું અર્થઘટન કરવાની સત્તા અને જવાબદારી ન્યાયતંત્રએ પોતાની પાસે રાખી.

સમાપન

ઉપરોક્ત ચુકાદો તત્કાલિન સરકારને સ્વીકાર્ય ન હોય તે સ્વાભાવિક છે કારણ કે સત્તાનું પલડું ન્યાયતંત્ર તરફ વધારે નમ્યું અને તેથી જ ખૂબ ટૂંકા સમયમાં વર્ષ-1976માં ફરી બંધારણમાં 42મો સુધારો કરવામાં આવ્યો અને લગભગ તમામ સત્તા ફરી સંસદે પોતાની પાસે આંચકી લીધી. આ રીતે ભારતના રાજકીય અને ન્યાયિક ઇતિહાસમાં સત્તાની ખેંચતાણ સતત જોવા મળતી રહે છે પરંતુ ન્યાયતંત્ર બંધારણના રક્ષક તરીકે ક્યારેય નિષ્ફળ ગયું નથી જે ભારત દેશની લોકશાહી માટે સૌથી મહત્વની બાબત છે.

Exit mobile version