Site icon Revoi.in

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનું “રાજીનામાની રજૂઆત(?)નું નાટક”, CWCના “દરબારીઓ”નો અહેવાલોને રદિયો

Social Share

કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક ચાલી રહી છે. આ બેઠક પહેલા રાહુલ ગાંધીએ કોંગ્રેસ અધ્યક્ષ પદેથી રાજીનામું આપવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પરંતુ રાહુલ ગાંધીને પ્રિયંકા ગાંધી અને મનમોહનસિંહે મનાવવાની કોશિશ કરી હતી. મનમોહનસિંહે કહ્યુ હતુ કે હાર જીત તો થતી રહે છે, રાજીનામાની જરૂરત નથી. સીડબ્લ્યૂસીની બેઠકમાં લોકસભામાં પાર્ટીની હાર અને કર્ણાટક સહીતના મામલાઓ પર મંથન થઈ રહ્યું છે

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણી 2019માં થયેલી હારની જવાબદારી લીધી છે. રાહુલ ગાંધી સાથે સીડબલ્યૂસીની બેઠકમાં જતા પહેલા મનમોહનસિંહ, પ્રિયંકા ગાંધી અને સંગઠન મહાસચિવ વેણુગોપાલે બંધબારણે અલગ-અલગ વાતચીત કરી હતી. આખરી સમયે રાહુલ ગાંધીને અધ્યક્ષ પદ છોડવાની પેશકશ કરવાથી રોકવાની કોશિશ થઈ હતી.

જો કે કેટલાક મીડિયા અહેવાલોમાં દાવો કરાયો હતો કે લોકસભાની ચૂંટણી બાદ હારના કારણોનું વિશ્લેષણ કરવા માટે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં રાહુલ ગાંધીએ પાર્ટી અધ્યક્ષ પદેથી પોતાનું રાજીનામું આપવાની રજૂઆત કરી છે. રાહુલ ગાંધીની આ રજૂઆત પર સીડબલ્યૂસીએ રાહુલ ગાંધીને કોંગ્રેસ અધ્યક્ષ પદ નહીં છોડવા માટે જણાવ્યું છે. રાહુલ ગાંધી દ્વારા રાજીનામાની પેશકશની શક્યતાઓને લઈને અમેઠીમાં સ્મૃતિ ઈરાની સામે 55 હજાર વોટથી હાર અને કોંગ્રેસને માત્ર 52 બેઠકો અપાવી શકવાને કારણે 23મી મેથી જ શરૂ થઈ ચુકી છે. જો કે સૂત્રોને ટાંકીને મીડિયા અહેવાલમાં દાવો કરાયો હતો કે સોનિયા ગાંધીએ રાહુલ ગાંધીને સીડબ્લ્યૂસીની બેઠકમાં રાજીનામું આપવા માટે જણાવ્યું હતું.

આ મીડિયા અહેવાલો વચ્ચે કોંગ્રેસના મીડિયા પ્રભારી રણદીપ સૂરજેવાલાએ કહ્યુ છે કે સીડબ્લ્યૂસીની બેઠક ચાલી રહી છે અને રાહુલ ગાંધીએ રાજીનામું આપ્યું હોવાના મીડિયા અહેવાલો સત્યથી વેગળા છે.

જો કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાજીનામું આપવાનું હોય તો રાહુલ ગાંધીને જ આપવાનું છે અને રાહુલ ગાંધી રાહુલ ગાંધીના રાજીનામાનો અસ્વીકાર પણ કરવાના હોય તે પહેલેથી લખેલી પટકથા જ હોઈ શકે. મીડિયા અહેવાલોમાં ચાલી રહેલો સીડબલ્યૂસીની બેઠકમાં રાજીનામું નામંજૂર કરવાનો ડ્રામા પણ બની શકે કે પહેલેથી કોઈ રાજકીય બાબતોના રાહુલ ગાંધીના પટકથાકાર દ્વારા લખવામાં આવી હોય.

હકીકતમાં કોંગ્રેસની કારમી હાર માટે રાહુલ ગાંધીની મહાસચિવ, ઉપાધ્યક્ષ અને હવે અધ્યક્ષ તરીકેની નિષ્ફળતાનું જ પરિણામ છે. કોંગ્રેસ પાર્ટી માત્ર 2014ની લોકસભા અને 2019ની લોકસભામાં જ કારમી રીતે હારી નથી. પરંતુ છેલ્લા બે વર્ષમાં ગુજરાત વિધાનસભામાં થોડીક સફળતા, કર્ણાટકમાં સારી બેઠકો મળવી, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં સરકાર બનાવવાની સફળતા સિવાય મોટાભાગની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ રાહુલ ગાંધીના પરોક્ષ અને પ્રત્યક્ષ નેતૃત્વમાં હારી જ છે. 2009માં ઉત્તર પ્રદેશમાં લોકસભાની 22 બેઠકોની જીત આમા અપવાદ ગણી શકાય.

કોંગ્રેસ પાર્ટી આખા દેશમાં એક સમયે સૌથી મોટી પાર્ટી ગણાતી હતી. પરંતુ જેવી રીતે મુઘલ વંશમા બહાદૂરશાહ ઝફર છેલ્લા બાદશાહ હતા. તેવી રીતે ગાંધી-નહેરુ પરિવારવાદી કોંગ્રેસના બહાદૂરશાહ ઝફર રાહુલ ગાંધી સાબિત થયા છે. જો કેટલાક મીડિયા અહેવાલોમાં જણાવામાં આવેલી વાત સાચી હોય તો કોંગ્રેસ પાસે રાહુલ ગાંધીનું રાજીનામું સ્વીકારીને પાર્ટીને બચાવવાનો એક ઉપાય છે. પરંતુ લાગતું નથી કે વંશવાદી માનસિકતામાં ફસાઈ ચુકેલી કોંગ્રેસ વર્કિંગ કમિટીના સદસ્યો પરિવારવાદમાંથી આટલી સરળતાથી મુક્તિ મેળવી શકશે.

મીડિયા અહેવાલો સાચા હોત તો પણ સીડબ્લ્યૂસી કદાચ રાજીનામું સ્વીકારી પણ લે, તો પણ રાહુલ ગાંધી બેકસીટ ડ્રાઈવિંગ જ કરશે. કોંગ્રેસની કમાન ગાંધી નહેરુ પરિવારના હાથમાં જ રહેવાની છે. બની શકે કે પ્રિયંકા ગાંધી વાડ્રાના નામની પણ ચર્ચા કરવામાં આવે અને સોનિયા ગાંધીને પણ ફરીથી કોંગ્રેસ અધ્યક્ષ પદની જવાબદારી સ્વીકારવા માટે મનાવવામાં આવે. પરંતુ કુલ મળીને ડ્રામા રાહુલ ગાંધીને બચાવવા માટે ગાંધી-નહેરુ પરિવારનું વર્ચસ્વ જાળવી રાખવા અને જનતાની નજરમાં મહાન સાબિત થવાની વધું એક ડ્રામેબાજી રાહુલ ગાંધી દ્વારા રાજીનામાની પેશકશ કરવામાં આવી હોય, તો તે કરવામાં આવી છે. આમ જોવો તો નૈતિક દ્રષ્ટિએ આટલી નિષ્ફળતા બાદ કોઈપણ પાર્ટી અધ્યક્ષને તેના પદ પર ચાલુ રહેવાનો કોઈ નૈતિક અધિકાર બચતો નથી.

લોકસભાની ચૂંટણીમાં હારના કારણોનું વિશ્લેષણ કરવા માટે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં રાજીનામાની પેશકશ કર્યા બાદ રાહુલ ગાંધીને આમ નહીં કરવા માટે સમજાવટ શરૂ થઈ છે. બધાં માની રહ્યા છે કે રાહુલ ગાંધી રાજીનામું નહીં આપવા માટે માની જશે અને અધ્યક્ષ રાહુલ ગાંધી પોતાનું રાજીનામું નામંજૂર કરશે!

સીડબ્લ્યૂસીની બેઠકમાં મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન કમલનાથ પણ પહોંચ્યા નથી. મધ્યપ્રદેશમાં કોંગ્રેસની કારમી હારને કારણે તેઓ કદાચ મોંઢું બતાવી શકે તેવી સ્થિતિમાં નથી. મધ્યપ્રદેશમાં કોંગ્રેસને 29માંથી 28 બેઠકો પર હાર મળી છે. એટલું જ નહીં દિગ્વિજયસિંહ અને જ્યોતિરાદિત્ય સિંધિયા જેવા મોટા નેતાઓ મોટા અંતરથી હારી ગયા છે. જો કે મુખ્યપ્રધાન કમલનાથના પુત્ર નકુલનાથ ચૂંટણી જીતી ગયા છે.

કોંગ્રેસની સીડબ્લ્યૂસીની બેઠકમાં રાહુલ ગાંધી, યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધી, ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ, પ્રિયંકા ગાંધી અને પાર્ટીના વરિષ્ઠ નેતાઓ હાજર હતા. બેઠકમાં રાજ્યોના પાર્ટી પ્રભારીઓ પણ હાજર છે. આ પહેલા સૂત્રોને ટાંકીને અહેવાલો આવ્યા હતા કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની હારની જવાબદારી લેતા રાજીનામું આપે તેવી શક્યતા છે.

2019માં લોકસભાની ચૂંટણીમાં 18 રાજ્યોમાં કોંગ્રેસ ખાતું પણ ખોલાવી શકી નથી. કેરળમાં કોંગ્રેસ ડબલ ડિઝિટમાં બેઠકો મેળવી શકી છે. કોંગ્રેસ મુખ્ય વિપક્ષી દળ તરીકેની આવશ્યકતા પ્રમાણેની 54 બેઠકો પણ જીતી શકી નથી. કોંગ્રેસને માત્ર 52 બેઠકો મળી છે. જ્યારે કોંગ્રેસના અન્ય સાથી પક્ષો ડીએમકે અને એનસીપી સહીત અન્ય પક્ષો 40 બેઠકો જીતવામાં સફળ રહ્યા છે.

કોંગ્રેસ ગત વર્ષ મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં સત્તામાં આવી હતી. મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં તો કોંગ્રેસે 15 વર્ષ બાદ સત્તામાં વાપસી કરી હતી. તો રાજસ્થાનમાં વસુંધરાને પણ કોંગ્રેસ સત્તામાંથી હટાવવામાં સફળ થઈ હતી. પરંતુ આ ત્રણેય રાજ્યોમાં પાર્ટી વિધાનસભાનો દેખાવ લોકસભાની ચૂંટણીમાં દોહરાવી શકી નથી.