નવી દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ પદેથી રાજીનામું આપી ચુકેલા રાહુલ ગાંધીએ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના દાવાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નિશાને લીધા છે. રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યુ છે કે જો ટ્રમ્પનો દાવો સાચો છે, તો પીએમ મોદીએ ભારતના હિતો સાથે દગાબાજી કરી છે.
રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટમાં લખ્યું છે કે રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પનુ કહેવું છે કે પીએમ મોદીએ તેમને કાશ્મીર પર ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થતા કરવાનું કહ્યું છે. આ જો સાચું ચે, તો પીએમ મોદીએ ભારતના હિતો અને 1972ના સિમલા કરાર સાથે વિશ્વાસઘાત કર્યો છે. એક નબળા વિદેશ મંત્રાલયનું ખંડન જ પુરતું નથી. પીએમએ રાષ્ટ્રને જણાવવું જોઈએ કે ટ્રમ્પ અને તેમની વચ્ચે બેઠકમાં શું થયું હતું?
પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન સાથે વ્હાઈટ હાઉસ ખાતેની બેઠક બાદ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કાશ્મીર મામલે મધ્યસ્થતાની ઓફર આપી હતી. ટ્રમ્પે કહ્યુ હતુ કે તેઓ મધ્યસ્થતા કરવા માટે તૈયાર છે, તેની સાથે જ તેમણે એમ પણ કહ્યુ કે પીએમ મોદીએ પણ તેમને મધ્યસ્થતા કરવાનું કહ્યું હતું.
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાશ્મીર મામલે નિવેદનને લઈને મંગળવારે સંસદમાં ખૂબ હંગામો થયો હતો. મંગળવારે સવારે કોંગ્રેસ તરફથી રાજ્યસભા અને લોકસભા બંને ગૃહોમાં આ મામલો ઉઠાવવામાં આવ્યો હતો.
વિદેશ પ્રધાન એસ. જયશંકરે સત્તાવાર નિવેદનમાં કહ્યુ હતુ કે કાશ્મીર ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય મુદ્દો છે. આ મુદ્દા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી કોઈપણ પ્રકારની મધ્યસ્થતાની પેશકશ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને કરવામાં આવી નથી. કોંગ્રેસના સાંસદ શશી થરુરે પણ કહ્યુ છે કે આ અસંભવ છે કે પીએમ મોદી કાશ્મીર મામલે મધ્યસ્થતા કરવા માટે કોઈને કહે.