લોકસભા ચૂંટણીમાં પાર્ટીના પ્રદર્શન બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાજીનામાની પેશકશ કરી હતી. બાદમાં ઘણાં કોંગ્રેસના નેતાઓ સતત રાહુલ ગાંધીને મનાવવાની કોશિશ કરી રહ્યા છે. પરંતુ રાહુલ ગાંધી માની રહ્યા નથી, અને હારી રહેલી કોંગ્રેસ પાર્ટીનું નેતૃત્વ સંભાળવા માટે હવે તૈયાર નથી.
રાહુલ ગાંધીએ તાજેતરમાં પોતાને સમજાવવા આવેલા યૂથ કોંગ્રેસના કાર્યકર્તાઓ સમક્ષ ભડાસ કાઢતા હાર બાદ કોઈ પ્રદેશ પ્રમુખ, મુખ્યપ્રધાને કે અન્ય પદાધિકારીઓએ જવાબદારી નહીં લીધી હોવાનો બળાપો કાઢયો હતો.
તેના પછી મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન કમલનાથે રાજ્યમાં લોકસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસની કારમી હારની જવાબદારી લીધી હતી.
જો કે રાહુલ ગાંધીના રાજીનામું પાછું ખેંચાવા અથવા તો નહીં ખેંચાવાના નાટકના કેટલા અંક હશે, તે કહેવું મુશ્કેલ છે. પરંતુ આ રાજકીય નાટકબાજીમાં વધુ એક ટ્વિસ્ટ દેખાય રહ્યો છે. જેમાં હવે પાર્ટી પદાધિકારીઓ પણ રાહુલ ગાંધી સાથે રાજીનામું આપવા માટે અડી ગયા છે.
કોંગ્રેસમાં એક પત્ર પર હસ્તાક્ષર કરીને પાર્ટી નેતા દ્વારા રાજીનામા આપવામાં આવી રહ્યા છે. આ પત્ર પર અત્યાર સુધી 120 લોકો હસ્તાક્ષર કરી ચુક્યા છે. જેમાં એઆઈસીસીના સચિવ, યૂથ કોંગ્રેસ, મહિલા કોંગ્રેસના પદાધિકારીઓ સામેલ છે. આના પર આગળ પણ વધુ નેતાઓ હસ્તાક્ષર કરે તેવી શક્યતા છે.
પત્રમાં કહેવામાં આવ્યું છે કે અમે અહીં રાહુલ ગાંધી સાથે સામુહિક રાજીનામા આપીશું.