Site icon Revoi.in

જો અમે સત્તામાં આવીશું તો 22 લાખ યુવાનોને રોજગાર આપીશું: અમેઠીમાં રાહુલ ગાંધી

Social Share

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે ઉત્તરપ્રદેશની મુલાકાતે છે. અહીંયા તેઓ ઘણી જનસભાઓ યોજશે અને પાર્ટી કાર્યકર્તાઓ સાથે મીટિંગ કરશે. રાહુલ ગાંધીએ અહીંયા પોતાના હોમ ગ્રાઉન્ડ અમેઠીમાં જનતાને સંબોધી. રાહુલે કહ્યું, જો અમે સત્તામાં આવીશું તો અમે 22 લાખ યુવાનોને રોજગાર આપીશું.

રાહુલે અમેઠીમાં કહ્યું, “અમે અમેઠી માટે જે કંઇપણ કર્યું તે બધું પીએમએ બંધ કરાવ્યું. અમે લોકોએ અમેઠીમાં ફૂડ પાર્ક શરૂ કરવાની યોજના કરી હતી જેનાથી અમેઠીના શાકભાજી અને ફળો દુનિયા સુધી પહોંચાડી શકાય. અમે એક હોસ્પિટલ શરૂ કરવાની પણ યોજના બનાવી હતી પરંતુ મોદી સરકારે તે પણ બંધ કરી.” રાહુલે કહ્યું કે ચોકીદારે સૌથી મોટી ચોરી અમેઠીના લોકો સાથે કરી છે. છેલ્લાં 5 વર્ષોમાં અમે જે પણ તમારા માટે કર્યું તે મોદીજીએ તમારી પાસેથી છીનવ્યું.

રાહુલે ગાંધીએ અમેઠીની જનતાને કહ્યું કે જો અમે લોકો સત્તામાં આવીશું તો 22 લાખ યુવાનોને રોજગાર આપવાનું હું વચન આપું છું. જ્યારે કોંગ્રેસ પોતાનું ન્યાય આપવાનું વચન પૂરું કરશે તો લોકોની ખરીદશક્તિમાં વધારો થશે, વેચાણમાં વધારો થશે અને માર્કેટમાં નોકરીઓની સંખ્યામાં વધારો થશે.

રાહુલે કહ્યું કે પીએમ મોદીએ 2 કરોડ લોકોને રોજગાર આપવાનું વચન આપ્યું હતું. એનું શું થયું?  જ્યારે જીએસટી લાગુ કરવામાં આવ્યો ત્યારે વેચાણ ઘટ્યું જેના કારણે બેરોજગારીમાં વધારો થયો. જ્યારે નોટબંધીના લીધે તમે લાઈનમાં ઊભા રહ્યા તો કોઈ તમારી પાછળ ઊભું હતું? શું તમારા ખાતામાં 15 લાખ જમા થયા ખરા?