Site icon hindi.revoi.in

કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સમાં સુરજેવાલાએ CWC મીટિંગમાં રાહુલે રાજીનામું આપ્યાની વાત સ્વીકારી, પહેલા બોલ્યા હતા જૂઠ્ઠું

Social Share

લોકસભા ચૂંટણીમાં ખરાબ પ્રદર્શનને લઇને યોજાયેલી કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક પૂરી થયા પછી કોંગ્રેસના તમામ નેતાઓ મીડિયા સાથે કોઇપણ પ્રકારની વાતચીત વગર ચૂપચાપ નીકળી ગયા. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ પણ કોઈની સાથે વાત ન કરી. કોંગ્રેસ નેતા અંબિકા સોનીને મીડિયાએ પૂછ્યું કે શું મીટિંગમાં રાહુલ ગાંધીના નેતૃત્વ અંગે પ્રશ્નો ઉઠ્યા, તો તેમણે જવાબ આપ્યો કે ‘ના, જરાય નહીં.’ જોકે, ત્યારબાદ કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સને સંબોધન કર્યું.

પ્રેસ કોન્ફરન્સમાં ગુલામ નબી આઝાદે કહ્યું, લોકશાહીમાં તો હાર અને જીત ચાલ્યા કરે પરંતુ નેતૃત્વ કરવું એ આખી અલગ વાત છે. રાહુલ ગાંધીએ પાર્ટીને નેતૃત્વ આપ્યું, એવું જે જોઈ શકાય એમ છે. કદાચ ટીવી પર ઓછું દેખાતું હશે પરંતુ પબ્લિકમાં એ એકદમ પ્રત્યક્ષ રીતે જોઇ શકાય છે. અમે અમારી હારને સ્વીકારી છે પરંતુ એ હાર આંકડાની છે અમારી વિચારધારાની નહીં.

આઝાદે કહ્યું કે, CWCની મીટિંગમાં બધાંએ સર્વસંમતિથી રાહુલ ગાંધીને કહ્યું કે તેમણે સારું કામ કર્યું છે. કોઇને તેમના નેતૃત્વ અંગે શંકા નથી પરંતુ પરિસ્થિતિ એવી હતી. આવી પરિસ્થિતિમાં જો કોઈ પાર્ટીનું નેતૃત્વ કરી શકે તો તે રાહુલ ગાંધી જ છે. જો વિરોધપક્ષને કોઈ લીડ કરી શકે તો તે રાહુલ ગાંધી જ છે.

આ પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની બેઠકમાં પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાજીનામું મૂકવાની રજૂઆત કરી હતી. પરંતુ વર્કિંગ કમિટીના સભ્યોએ તેમનું રાજીનામું સર્વસંમતિથી નકારી કાઢ્યું હતું.

સુરજેવાલાએ કહ્યું કે, CWCએ કોંગ્રેસ અધ્યક્ષને પાર્ટીને રિસ્ટ્રક્ચર કરવા માટે તેમાં ફેરફારો કરવાના અધિકારો આપ્યા છે. આ માટેનો પ્લાન ટુંક સમયમાં રજૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ પહેલા સવારે સુરજેવાલાએ કહ્યું હતું કે રાહુલે રાજીનામું આપવાની રજૂઆત કરી હોવાની વાત ખોટી છે.

કોંગ્રેસ નેતા એકે એન્ટોનીએ કહ્યું, ‘હું એ વાત સાથે સંમત નથી કે પાર્ટીનું આ ખૂબ ભયંકર ખરાબ પ્રદર્શન હતું પરંતુ હું એટલું કહેવા માંગીશ કે અમે અપેક્ષાઓ પર ખરા ન ઉતરી શક્યા. પાર્ટી આ બાબતે વિગતવાર ચર્ચા કરશે. આજે અમે ફક્ત સામાન્ય ચર્ચાઓ કરી છે.’

Exit mobile version