કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરે કહ્યું કે જો પાર્ટી તેમને લોકસભામાં કોંગ્રેસ પાર્ટીના નેતા પદની રજૂઆત કરે છે તો તે આ દાયિત્વને નિભાવવા માટે તૈયાર છે. તિરુવનંતપુરમથી સતત ત્રીજી વાર સાંસદ તરીકે ચૂંટાયેલા શશિ થરૂરે સોમવારે એક ટીવી ચેનલને કહ્યું, ‘જો રજૂઆત કરવામાં આવી તો હું કોંગ્રેસનો લોકસભા નેતા બનવા માટે તૈયાર છું.’
તેમણે સ્વીકાર કર્યું કે કોંગ્રેસના મુખ્ય ચૂંટણી થીમ ‘ન્યાય’ને મતદાતાઓ સમક્ષ યોગ્ય રીતે મૂકવામાં ન આવ્યું અને તેની સાથે જ તેમણે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની ‘નરમ હિંદુત્વ’ની નીતિની ટીકા કરી. તેમણે જોકે ભાર દઇને કહ્યું કે રાહુલ ગાંધીએ કોંગ્રેસ અધ્યક્ષ પદે રહેવું જોઇએ.
થરૂરે કહ્યું, ‘પાર્ટી તેમની સહાયતા માટે ક્ષેત્રીય કાર્યકારી અધ્યક્ષોની નિમણૂંક પર વિચાર કરી શકે છે.’ થરૂર 2009થી તિરુવનંતપુરમ સંસદીય સીટનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. 2014માં તેમણે ભાજપના ઓ. રાજગોપાલ વિરુદ્ધ માત્ર 15,000 વોટ્સના અંતરથી જીત નોંધાવી હતી.