Site icon Revoi.in

મંદિરમાં પૂજા દરમિયાન પડ્યા શશિ થરૂર, માથામાં લાગ્યા 6 ટાંકા

Social Share

કેરળ: તિરુવનંતપુરમથી સાંસદ કોંગ્રેસ નેતા શશિ થરૂર એક મંદિરમાં પૂજા દરમિયાન પડી ગયા, જેનાથી તેમને ગંભીર ઇજા થઈ છે. સારવાર માટે તેમને તિરુવનંતપુરમની જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને માથામાં ગંભીર ઈજા થઈ છે. ઇલાજ કરી રહેલા ડોક્ટરના જણાવ્યા પ્રમાણે તેઓ હાલ ખતરાની બહાર છે પરંતુ તેમને માથામાં છ ટાંકા આવ્યા છે. થરૂર મંદિરમાં તુલાભરમ પૂજા કરી રહ્યા હતા.

તુલાભરમ એવી પૂજા છે જે કેરળના કેટલાક ગણ્યાગાંઠ્યા મંદિરોમાં જ થાય છે. આ પૂજામાં પોતાના વજનના બરાબર ચઢાવો ચડાવવામાં આવે છે. દેવી-દેવતાને જે અર્પણ કરવાનું હોય તે પહેલા તે તમામ સામગ્રીને પોતાના વજનની બરાબર તોલવામાં આવે છે. મંદિરોમાં વજન કરવા માટે મોટી-મોટી મશીનો લગાવેલી હોય છે.

ઉલ્લેખનીય છે કે થરૂર આ વખતે ફરી તિરુવનંતપુરમથી કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર છે. આ સીટ પરથી બે વખત કોંગ્રેસના સાંસદ તરીકે ચૂંટાયેલા થરૂરનો મુકાબલો આ વખતે બીજેપી નેતા અને મિઝોરમના પૂર્વ રાજ્યપાલ કુમ્માનેમ રાજશેખરન અને સીપીઆઇ ધારાસભ્ય તેમજ રાજ્યના પૂર્વ મંત્રી સી. દિવાકરન સાથે છે.

થરૂર આ સીટ પરથી પહેલીવાર 2009માં ચૂંટણી લડ્યા હતા. તે સમયે તેમને એક લાખમાં ત્રણ મત ઓછા મળ્યા હતા પરંતુ 2014માં તેઓ લગભગ 15,000 મતોના અંતરથી જીત્યા. ત્યારબાદ તેમના પત્ની સુનંદા પુષ્કરનું શંકાસ્પદ પરિસ્થિતિઓમાં મોત થઈ ગયુ. આ વખતે સબરીમાલા મંદિર વિવાદમાં ઝંપલાવવાને કારણે નાયર સમુદાયની તેમની પરંપરાગત વોટબેન્કમાં ઘટાડો થયો છે. તે જોતા શશિ થરૂરે પાર્ટી હાઇકમાનને પત્ર લખીને ફરિયાદ કરી છે કે સ્થાનિક પાર્ટી નેતા તેમના પ્રચાર અભિયાનમાં રસ નથી લઈ રહ્યા.