Site icon Revoi.in

કોંગ્રેસમાં રાજીનામાની મોસમ યથાવત, હવે ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ રાહુલ ગાંધીને મોકલ્યું રાજીનામું

Social Share

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ પાર્ટીમાં ખળભળાટની સ્થિતિ છે. એક પછી એક રાજીનામાની પેશકશનો તબક્કો ચાલી રહ્યો છે. ખુદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પોતાના પદ પરથી રાજીનામું આપવા ઈચ્છતા હોવાના મીડિયા અહેવાલ છે. ત્યારે ઘણાં નેતાઓએ પણ પોતાના રાજીનામા રાહુલ ગાંધીને મોકલી દીધા છે. તાજો મામલો ગુજરાતનો છે. ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ રાજીનામું આપ્યું છે. તેમણે ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા પદેથી રાજીનામું આપ્યું છે અને તેને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને મોકલ્યું છે. જો કે પરેશ ધાનાણીનું રાજીનામું હજી મંજૂર કરવામાં આવ્યું નથી.

મહત્વપૂર્ણ છે કે મહરાષ્ટ્રમાં પણ કોંગ્રેસને મોટો આંચકો મળવાના સંકેત મળ્યા છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા અને વિપક્ષના નેતા રાધાકૃષ્ણ વિખે પાટિલ ચોથી જૂને ભાજપમાં સામેલ થાય તેવી શક્યતા છે. જો કે પાટિલ તરફથી હજી સુધી સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.

મહત્વપૂર્ણ છે કે ચૂંટણી પરિણામો આવ્યા બાદ કોંગ્રેસમાં રાજીનામાની હેલી લાગી ગઈ છે. યુપી, ઝારખંડ, પંજાબ સહીતના રાજ્યોના પ્રદેશ પ્રમુખ અને ઘણાં પ્રભારીઓએ રાજીનામા આપ્યા છે. અત્યાર સુધી વિભિન્ન રાજ્યોના 14 વરિષ્ઠ નેતાઓએ પોતાના રાજીનામા કોંગ્રેસ અધ્યક્ષને મોકલ્યા છે. ગુજરાતમાં કોંગ્રેસને એકપણ બેઠક પર જીત પ્રાપ્ત થઈ નથી. 12 રાજ્યોમાં કોંગ્રેસનો દેખાવ શૂન્ય છે. કોંગ્રેસનું અહીં ખાતું પણ ખુલ્યું નથી. કોંગ્રેસ તેના પર મંથન કરી રહી છે.