નવી દિલ્હી: કેરળથી કોંગ્રેસના સાંસદ કોડિકુન્નિલ સુરેશે સોમવારે હિંદીમાં શપથ લઈને સૌને ચોંકાવી દીધા હતા અને તેમના આ પગલાની ઘણાં સાંસદોએ મેજ થપથપાવીને પ્રશંસા કરી હતી. પરંતુ ત્યારે તેઓ મુસીબતમાં ઘેરાઈ ગયા કે જ્યારે તેમના આ પગલા પર યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધીએ તેમને તલબ કર્યા અને ખૂબ ઠપકો આપ્યો. અહેવાલ છે કે સુરેશના આ પગલા બાદ કેરળથી ચૂંટાયેલા તમામ કોંગ્રેસી સાંસદોને સોનિયા ગાંધીએ મલયાલમમાં શપથ લેવાની હિદાયત પણ આપી હતી.
સુરેશ વડાપ્રધાન મોદી બાદ શપથ ગ્રહણ કરનારા બીજા સાંસદ હતા. તેમણે શપથ લીધા બાદ વડાપ્રધાનને બીજા કાર્યકાળ બદલ અભિનંદન પણ પાઠવ્યા હતા. તેમને સંસદના પ્રોટેમ સ્પીકર વિરેન્દ્રસિંહે શપથ અપાવ્યા હતા.
સુરેશ 17મી લોકસભામાં માવેલીકારા બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયા છે. જ્યારે તેમણે હિંદીમાં શપથ લીધા, તો બાકીના સાંસદો ચોંકી ગયા હતા. પરંતુ બાદમાં તેમણે ગૃહના મેજ થપથપાવીને આનું સ્વાગત કર્યું હતું. મેજ થપથપાવનારા સાંસદોમાં ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ પણ સામલે હતા. બાદમાં કેરળની વાયનાડ બેઠક પરથી ચૂંટાયેલા રાહુલ ગાંધીએ અંગ્રેજીમાં શપથ લીધા હતા.
ડેક્કન ક્રોનિકલ પ્રમાણે, કોડિકુન્નિલ જ્યારે શપથ લીધા બાદ પાછા ગયા તો સોનિયા ગાંધીએ તેમને આનું કારણ પુછયું હતું. તેના જવાબમાં કોડિકુન્નિલે મીડિયાને બહાર નીકળીને જણાવ્યુ હતુ કે સોનિયા ગાંધીએ પુછયું હતું કે મે હિંદીમાં શપથ કેમ લીધા ? મે પાછલીવાર અંગ્રેજીમાં શપથ લીધા હતા, તો આ વખતે મે વિચાર્યું કે કંઈક પરિવર્તન કરતા હિંદીમાં શપથ લઈએ છીએ.
માતૃભૂમિ વેબસાઈટે દાવો કર્યો છે કે સોનિયા ગાંધીના પગલાને કારણે બાદમાં કેરળથી આવનારા બે કોંગ્રેસી સાંસદો રાજમોહન ઉન્નીથન અને વી. કે. શ્રીકાંતન, જેમણે હિંદીમાં શપથ લેવાનું નિશ્ચિત કર્યું હતું, તેમણે પણ પોતાનો વિચાર બદલ્યો હતો.
કોડિકુન્નિલ સુરેશ છઠ્ઠી વખત સાંસદ બન્યા છે.તેઓ એક ગરીબ પરિવારમા જન્મ્યા હતા અને 1989માં પહેલીવાર તેઓ સાંસદ બન્યા હતા.17મી લોકસભા ચૂંટણીમાં તેઓ કેરળની માવેલીકારા બેઠક પરથી ચૂંટાયા છે.આ પહેલા તેઓ શ્રમ મંત્રાલયમાં રાજ્ય કક્ષાનો પ્રભાર સંભાળી ચુક્યા છે. સપ્ટેમ્બર- 2018માં તેમને કેરળ પ્રદેશ કોંગ્રેસ કમિટીના કાર્યકારી અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના સચિવ પણ છે.
સુરેશ એક વખત વિવાદમાં પણ ઘેરાઈ ચુક્યા છે. 2009માં લોકસભા ચૂંટણી જીત્યા બાદ નકલી જાતિ પ્રમાણપત્રને કારણે કેરળ હાઈકોર્ટે તેમની ચૂંટણીને ગેરકાયદેસર જાહેર કરી હતી. જો કે બાદમાં સુપ્રીમ કોર્ટે તેમને આ મામલામાં રાહત આપી હતી.