Site icon hindi.revoi.in

મોંઘવારીના વિરોધમાં અમદાવાદમાં કોંગ્રેસ દ્વારા જનચેતના રેલી યોજાઈઃ રેલીમાં સિનિયર નેતાઓ-કાર્યકરો જોડાયા

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં મોંઘવારીએ માઝા મુકી છે.દેશમાં પણ દિવસે દિવસે મોંઘવારીનો માર વધી રહ્યો છે. ગુજરાતમાં પેટ્રોલ-ડીઝનના ભાવ રાજ્યમાં 100 રૂપિયા સુધી પહોંચવાની નજીક છે. આ સાથે ખાદ્ય તેલ, રાંધણ ગેસ સહિતની અન્ય જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવ પણ વધી રહ્યા છે. ત્યારે મોંઘવારીના વિરોધમાં આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા એલિસબ્રિજ રાજીવ ગાંધી ભવનથી લાલદરવાજા સરદારબાગ સુધી સાયકલ રેલી અને પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના વિરોધ પ્રદર્શનમાં દિગ્ગજ નેતાઓ હાજર હતા પરંતુ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલની ગેરહાજર જોવા મળી હતી.

કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં  કોંગ્રેસના પ્રદેશ કાર્યાલાયથી સરદાર બાગ સુધી રેલી કાઢવામાં આવી હતી. મોટી સંખ્યામાં  કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓ જોડાયા હતા. વધતા જતા પેટ્રોલ,ડિઝલ અને દુધના ભાવવધારાને લઈને કોગ્રેસે આક્રોશ ઠાલવ્યો હતો. અમિત ચાવડાએ કહ્યું હતું કે, એક તરફ લોકો મોંઘવારીથી ત્રાહિમામ છે અને તેવા સમયે સરકાર લોકો પાસેથી લુંટ મચાવી રહી છે. પરેશ ધાનાણીએ  જણાવ્યું હતું કે, મોંઘવારી મુદેનું આ આંદોલનએ કોગ્રેસનું આંદોલન નથી,પરંતુ આ આંદોલન જનતાનાં આંદોલનમાં પરિવર્તિત થઈ ગયું છે. કોંગ્રેસ દ્વારા મોંઘવારીના વિરોધમાં યોજાયેલા પ્રદર્શનમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓ જોડાયા હતા. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષના નેતા પરેશ ધાનાણી, કોંગ્રેસના નેતા મધુસુદન મિસ્ત્રી, સિદ્ધાર્થ પટેલ, પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી સહિતના નેતાઓ રેલીમાં જોડાયા હતા. જોકે આગામી સમયમાં કોંગ્રેસનું ભાવી ગણાતા યુવા નેતા એવા હાર્દિક પટેલની જ ગેરહાજરી જોવા મળી હતી. કોંગ્રેસના સિનિયર નેતાઓના કાર્યક્રમમાં હાર્દિક પટેલ હાજર ન હોય તેવો આ પહેલો કિસ્સો નથી. આ પહેલા પણ ઘણીવાર કોંગ્રેસના વિરોધ પ્રદર્શનોમાં હાર્દિકની ગેરહાજરી જોવા મળી છે. ગત વર્ષે જ કોંગ્રેસે રાજસ્થાન મુદ્દે સમગ્ર રાષ્ટ્રમાં રાજભવન સામે ધરણાનો કાર્યક્રમ આપ્યો તેમાં ગાંધીનગરમાં ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી અને અન્ય ધારાસભ્યો અને નેતાઓ હાજર હતા, પણ કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ નજરે ચડ્યા ન હતા.

 

Exit mobile version