નવી દિલ્હી: લોકસભા ચૂંટણીનું મતદાન સમાપ્ત થઈ ચુક્યું છે અને 23 મેએ પરિણામો આવવાના છે. પરંતુ આના પહેલા જ માલદીવથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે અભિનંદનનો સંદેશો આવી ગયો છે. આ સંદેશ માલદીવના ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ મોહમ્મદ નશીદે આપ્યો છે. તેમા તેમણે માલદીવ અને એનડીએની સરકાર વચ્ચેના ઘનિષ્ઠ સંબંધોનો પણ ઉલ્લેખ કર્યો છે.
રવિવારે આવેલા એક્ઝિટ પોલમાં એનડીએને બહુમતી મળતી દર્શાવવામાં આવી છે. તેને જોતા નશીદે ટ્વિટ કર્યું છે કે ચૂંટણી સમાપ્ત થવાની સાથે જ નરેન્દ્ર મોદી અને ભાજપને અભિનંદન આપું છું. હું આશા કરું છું કે માલદીવના લોકો અને અહીંની સરકાર સાથે મોદી અને એનડીએ સરકારના ઘનિષ્ઠ સંબંધો વધુ સારા થશે.
નવેમ્બર-2018માં માલદીવના નવા રાષ્ટ્રપ્રમુખ ઈબ્રાહીમ મોહમ્મદ સોલિહના શપથગ્રહણ સમારંભમાં પીએમ મોદી સામેલ થયા હતા. સોલિહે રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણીમાં અબ્દુલ્લા યામિનને હરાવ્યા હતા. ડિસેમ્બર-2018માં રાષ્ટ્રપ્રમુખ સોલિહે ભારતની મુલાકાત લીધી હતી. તે વખતે ભારત સરકારે માલદીવને 97.43 અબજ રૂપિયાની મદદ પણ આપી હતી.