- મધ્યપ્રદેશની કમલનાથ સરકારે બોલાવ્યું સંત સંમેલન
- સંત સંમેલનમાં જય શ્રીરામ, ગૌમાતા કી જય હો-ના સૂત્રોચ્ચાર
- દિગ્વિજયસિંહ પણ સંત સંમેલનમાં હતા હાજર
મધ્યપ્રદેશની કમલનાથ સરકારે મંગળવારે એક સંત સંમેલનનું આયોજન કર્યું હતું. આ સંત સંમેલનમાં ખુદ મુખ્યપ્રધાન કમલનાથ અને પાર્ટીના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહ સામેલ થયા હતા. આ સંમેલન દરમિયાન જય શ્રીરામ, જય બજરંગબલી અને ગૌમાતા કી જય હો-ના સૂત્રોચ્ચાર થયા હતા. સંમેલન દરમિયાન સંતોએ પુરોગામી ભાજપની સરકાર પર નિશાન સાધ્યું અન સંત સમાજ માટે કંઈપણ નહીં કરવાનો આરોપ લગાવ્યો હતો.
મહત્વપૂર્ણ છે કે આ સંત સંમેલનનું આયોજન કમલનાથ સરકારના આધ્યાત્મિક વિભાગ દ્વારા ભોપાલના મિન્ટો હોલમાં કરવામાં આવ્યું હતું. મિંટો હોલ એક પ્રાચીન ઈમારત છે. અહીં ભૂતકાળમાં મધ્યપ્રદેશની વિધાનસભા મળતી હતી. હાલ તેને એક કન્વેન્શન સેન્ટરમાં ફેરવી દેવામાં આવી છે. સંત સંમેલન દરમિયાન મુખ્યપ્રધાન કમલનાથે ભાજપનો નામોલ્લેખ કર્યા વગર કહ્યુ હતુ કે કેટલાક લોકોને આનાથી પેટમાં દુખાવો ઉપડયો હશે કેટલાક લોકો સમજે છે કે ધર્મ તેમની જાગીર છે.
મુખ્યપ્રધાને પુરોગામી ભાજપ સરકાર પર ધર્મના નામ પર નાણાંકીય અનિયમિતતા કરવાનો આરોપ લગાવ્યો હતો. કમલનાથે કહ્યુ છે કે તેમની સરકાર નર્મદા નદીના કિનારે વૃક્ષારોપણ, સિંહસ્થ કુંભ દરમિયાન થયેલી નાણાંકીય અનિયમિતતાની તપાસ કરાવશે.
સંત સંમેલન દરમિયાન કમ્પ્યુટર બાબાએ સરકારની સામે કેટલીક માગણીઓ રજૂ કરી હતી, જેમાં ધાર્મિક સંગઠનોના આશ્રમ, કુટિરો, જે પાંચ વર્ષથી વધારે સમયથી બનેલી છે તેને નિયમિત કરવામાં આવે. તેની સાથે જ સંતોને પેન્શન અને આરોગ્ય વીમા વગેરેની સુવિધાઓ પણ મળી. મુખ્યપ્રધાન કમલનાથે પણ સંતોની આ માગણીને પૂર્ણ કરવાની પોતાની સંમતિ આપી અને કહ્યુ કે સંતોને આશ્રમ, મંદિર, ગૌશાળા અને કુટિરો માટે સરકારી જમીન પર સ્થાયી પટ્ટો આપવામાં આવશે.
મુખ્યપ્રધાન કમલનાથે એમ પણ કહ્યુ છે કે આવા પ્રકારે સંત સંમેલન વખતોવખત થતા રહેવા જોઈએ અને આગામી સંમેલનથી પહેલા સરકારની કોશિશ થશે કે સંતોની માગણીને પૂર્ણ કરી દેવામાં આવે. મઠ મંદિર સલાહકાર સમિતિના ચેરમેન સ્વામી સુબોધાનંદ મહારાજે ભાજપ સરકાર પર સંત સમાજને છેતરવાનો આરોપ લગાવ્યો છે. ભોપાલના સાંસદ સાધ્વી પ્રજ્ઞા ઠાકુરના નામોલ્લેખ વગર તેમણે કહ્યુ કે ભાજપે એવા લોકોને સંસદભવનમાં મોકલ્યા છે, જે બોમ્બ વિસ્ફોટના આરોપી છે.