ઈદના દિવસે કાશ્મીર ખીણમાં ઘણાં વિસ્તારોમાં પથ્થરમારો થયો. કાશ્મીર ખીણમાં પથ્થરમારાએ પાકિસ્તાની અને ખૂંખાર આતંકી સંગઠન આઈએસઆઈએસના વાવટા પણ ફરકાવ્યા હતા. તો પુલવામા જિલ્લાના એક ગામમાં આતંકવાદીઓએ ખુલ્લેઆમ ફાયરિંગ કરીને એક મહિલાને મોતને ઘાટ ઉતારી હતી.
ઈદના પ્રસંગે કાશ્મીરમાં ફેલાયેલી હિંસાની શિયા વક્ફ બોર્ડના ચીફ વસીમ રિઝવીએ આકરી નિંદા કરી છે. તેમણે અંગ્રેજી ચેનલ ટાઈમ્સ નાઉની સાથેની વાતચીતમાં કહ્યુ છે કે તે (પથ્થરબાજ) જે થાળીમાં ખાય છે, તેમાં છેદ કરે છે. ઘાટીનો માહોલ ખરાબ કરાય રહ્યો છે. તેમની સાથે કડકાઈથી વર્તવાની જરૂરત છે. ઈસ્લામમાં ક્યારેય કહેવામાં આવ્યું નથી કે તમે કોઈની સાથે બળજબરી કરો. આ તહેવાર ખુશીનો તહેવાર છે અને તે પ્રસંગે પણ તમે પથ્થરબાજી કરી રહ્યા છો, તો તમે ખુદને મુસ્લિમ કેવી રીતે કહી શકો છો.
તેમણે આગળ કહ્યુ છે કે કાશ્મીર ખીણના નેતાઓ (મહબૂબા મુફ્તિ અને ઓમર અબ્દુલ્લા)ને આમના (પથ્થરબાજો)ના વોટ જોઈએ. માટે તે તેમની વિરુદ્ધ જઈ શકતા નથી. મને તો લાગે છે કે સૌથી વધારે જરૂરત આ નેતાઓને ઠીક કરવાની છે. ભારતમાં લઘુમતી હોવાના ઘણાં ફાયદા છે. પરંતુ જો તે તેમ છતાં પણ આવા પ્રકારની હરકતો કરશો તો પછી કડકાઈથી નિપટવાની જરૂરત છે. જો પથ્થરબાજ આઈએસના બેનર અને વાવટા લઈને ઉભા છે, તો તેમને સેના દ્વારા તાત્કાલિક ગોળી મારી દેવી જોઈએ. જો આઈએસ કાશ્મીરના માર્ગે પોતાના પગ ફેલાવી રહ્યું છે અને આપણે તેની અવગણના કરીશું, તો પછી હિંદુસ્તાનમાં તો આગ લાગી જશે.
ઈદની નમાજ બાદ શ્રીનગરમાં પથ્થરબાજ અલ કાયદા સાથે સંબંધિત અંસાર ગઝવત ઉલ હિંદના પ્રમુખ ઝાકીર મૂસા અને ગ્લોબલ આતંકવાદી મસૂદ અઝહરના પોસ્ટર લઈને ઉભેલા જોવા મળ્યા હતા. આ પોસ્ટર્સમાં મૂસા આર્મી લખેલું હતું. તે વખતે મોંઢા કપડાં ઢાંકીને કેટલાક પથ્થરબાજોએ સેના પર પથ્થરમારો કર્યો હતો. તેના પછી સેના અને પથ્થરબાજો વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. પોલીસ પ્રમાણે, ઈદની નમાજ બાદ જામા મસ્જિદની બહાર યુવાનો પથ્થરબાજી કરવા માટે ભેગા થયા હતા અને તેમણે સેના પર પથ્થરમારો કર્યો હતો. તે વખતે સેનાએ ટીયરગેસનો ઉપયોગ કરીને પથ્થરબાજોને રોકવાની કોશિશ કરી હતી.