કોલકત્તા: પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લામાં અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારીને ભાજપના કાર્યકર્તાની હત્યા કરી છે. આ હત્યાની ઘટના શુક્રવારે રાત્રે ચકદાહ વિસ્તારમાં થઈ હતી. 25 વર્ષીય સંતુ ઘોષ થોડાક દિવસો પહેલા ટીએમસી છોડીને ભાજપમાં જોડાયો હતો. ભાજપના નેતાઓએ સંતુ ઘોષની હત્યા કરાવવાનો આરોપ મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ પર લગાવ્યો છે. બીજી તરફ લોકસભા ચૂંટણીના પરિણામો બાદ બેરકપુર બેઠકના કેટલાક વિસ્તારોમાં હિંસાની ઘટનાઓ બની છે. વિસ્ફોટમાં એક વ્યક્તિનો જીવ પણ ગયો છે.
પોલીસનું કહેવું છે કે સંતુ રાત્રે લગભગ નવ વાગ્યે ઘરે પાછો ફર્યો હતો. કેટલાક વિલંબ બાદ બે લોકોએ તેને ઘરની બહાર બોલાવીને ગોળી મારી દીધી હતી. ત્યાર બાદ બંને હુમલાખોરો નાસી છૂટયા હતા. પરિવારજનોએ સંતુને હોસ્પિટલમાં ખસેડયો હતો. જ્યાં તબીબોએ તેને મૃત ઘોષિત કરી દીધો હતો. સંતુના પિતા કોલકત્તામાં જ્વેલરી શૉરૂમમાં કામ કરે છે. તેમણે કહ્યુ છે કે મારા પુત્રના ભાજપમાં જોડાવા બાબતે મને જાણકારી ન હતી. જો કે સંતુ ટીએમસીના નેતા પિંટૂ નાગનો નિકટવર્તી હતો.
ભાજપ યુવા મોરચાના કૌશિક ભૌમિકે આરોપ લગાવ્યો છે કે સંતુને ટીએમસી છોડવાને કારણે મારી નાખવામાં આવ્યો છે. તે ભાજપના ચૂંટણી અભિયાનમાં બેહદ સક્રિય રહ્યો હતો. ગુરુવારે વિજય જુલૂસમાં પણ સામેલ થયો હતો. ગત કેટલાક દિવસોથી તેને ધમકીઓ મળી રહી હતી. ભાજપનો આરોપ છે કે ટીએમસી સંદેશ આપવા ચાહે છે કે જે પણ તેનાથી અલગ થશે, તેનો અંજામ સંતુ ઘોષ જેવો થશે.
ફેબ્રુઆરીમાં પણ નાદિયામાં એક ભાજપના કાર્યકર્તાની હત્યા થઈ હતી. ચૂંટણી દરમિયાન પ.બંગાળમાં ભાજપના કાર્યકર્તાઓ પર ઘણાં જીવલેણ હુમલા થયા હતા. લોકસભા ચૂંટણીમાં ભાજપને પ. બંગાળમાં સારી એવી સફળતા મળી છે. અહીં ભાજપે 18 બેઠકો પર જીત પ્રાપ્ત કરી છે. જ્યારે 2014માં ભાજપને બે બેઠકો પર જીત મળી હતી. ટીએમસીએ 201માં 34 બેઠકો પ્રાપ્ત કરી હતી. આ વખતે ટીએમસી 22 પર અટકી ગઈ છે. વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં ભાજપની ઐતિહાસિક જીતને પશ્ચિમ બંગાળ અને કેરળમાં માર્યા ગયેલા પાર્ટીના કાર્યકર્તાઓને સમર્પિત કરી હતી.
પરિણામો બાદ બેરકપુર બેઠકના ઘણાં વિસ્તારોમાં હિંસાની ઘટનાઓ સામે આવી હતી. એક સ્થાન પર બોમ્બ વિસ્ફોટની ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. કેટલાક અજાણ્યા લોકોએ બજાર અને મકાનોમાં તોડફોડ કરી હતી. રાજકીય ઘર્ષણમાં એક ડઝનથી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ભાજપના ઉમેદવાર અર્જુનસિંહે બેરકપુર લોકસભા બેઠક પરથી અને તેમના પુત્ર પવને ભટપારા વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં જીત પ્રાપ્તકરી હતી. અર્જુનસિંહનો આરોપ છે કે ટીએમસીના કાર્યકર્તાઓ 19મી મેથી જ લોકોને ડરાવીને હુમલા કરી રહ્યા છે.
ભાજપના પ્રદેશ પ્રમુખ દિલીપ ઘોષે ટીએમસીના કાર્યકર્તાઓ પર હિંસા ફેલાવવાનો આરોપ લગાવ્યો છે. પ. બંગાળ ભાજપના પ્રદેશ પ્રમુખ દિલીપ ઘોષે કહ્યુ છે કે ટીએમસીના ગુંડા વિપક્ષના નેતાઓ અને ઉમેદવારો પર હુમલા કરી રહ્યા છે. મમતા બેનર્જીની પાર્ટી હાર સ્વીકાર કરી શકી નથી. ટીએમસીએ પરિણામોને યોગ્ય ભાવના સાથે જોવા જોઈએ. જો ટીએમસી હિંસાનો ધમકાવવા અને દહેશત ફેલાવવામાં ઉપયોગ કરી રહી છે તથા ભાજપના કાર્યકર્તા પર હુમલા ચાલુ રાખશે તો તેઓ પણ ટીએમસીને તેમની ભાષામાં જ જવાબ આપશે.