મુંબઈ: કોંગ્રેસની ટિકિટ પર લોકસભા ચૂંટણી લડી રહેલી બોલિવુડ અભિનેત્રી ઊર્મિલા માતોંડકરના ચૂંટણી અભિયાન કાર્યક્રમમાં જબરદસ્ત બબાલ થઈ છે. ઉત્તરી મુંબઈ લોકસભા ક્ષેત્રમાં એક ચૂંટણી કાર્યક્રમમાં પહોંચેલી ઊર્મિલાની સાથે હાજર કોંગ્રેસ કાર્યકર્તાઓએ જ્યારે બીજેપી કાર્યકરોની નારેબાજીનો વિરોધ કર્યો તો બંને જૂથ સામસામે બાખડી પડ્યા.
તાજેતરમાં જ કોંગ્રેસમાં સામેલ થયેલી ઊર્મિલા માતોંડકર ઉત્તર મુંબઈ લોકસભા સીટ પરથી ચૂંટણી લડી રહી છે. તે હાલ જોરદાર ચૂંટણી પ્રચાર કરી રહી છે. તેના જ ઉપક્રમે સોમવારે ઊર્મિલા બોરિવલી રેલવે સ્ટેશન પાસે એક રેલી કરવા જઈ રહી હતી. આ દરમિયાન બીજેપી કાર્યકર્તાઓ મોદી-મોદીના નારા લગાવવા લાગ્યા અને ત્યાંથી આ આખો વિવાદ શરૂ થઈ ગયો.
બીજેપી કાર્યકર્તાઓની નારેબાજીનો જ્યારે કોંગ્રેસ કાર્યકર્તાઓએ વિરોધ કર્યો તો તેમની વચ્ચે ઝઘડો વધવા લાગ્યો. જોતજોતામાં બંને તરફના કાર્યકર્તાઓ ગુસ્સામાં આવી ગયા અને તેમની વચ્ચે ઝપાઝપી શરૂ થઈ ગઈ. જોકે, ત્યારબાદ પોલીસે બંને પાર્ટીઓના કાર્યકર્તાઓને શાંત કર્યા.
સ્થળ પર હાજર એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે બીજેપી સમર્થક મોદી-મોદીના નારા લગાવી રહ્યા હતા, જેના જવાબમાં કોંગ્રેસ કાર્યકર્તાઓ ‘ચોકીદાર ચોર છે’ની બૂમો પાડવા લાગ્યા. પરિણામે બંને પક્ષો વચ્ચે ગરમાગરમી વધી ગઈ. ઉલ્લેખનીય છે કે ઉત્તર મુંબઈ સીટ પરથી બીજેપીએ સિટિંગ સાંસદ ગોપાલ શેટ્ટીને ઉતાર્યા છે, જ્યારે કોંગ્રેસે પોતાના 2014ના ઉમેદવાર સંજય નિરૂપમની જગ્યાએ અભિનેત્રી ઊર્મિલા માતોંડકરને આ મોકો આપ્યો છે.