1. Home
  2. revoinews
  3. વર્ષ 1967ના પરાજયથી છંછેડાયેલું ચીન વર્ષોથી સીમાને લઈને ભારત સાથે કરી રહ્યું છે ઘર્ષણ
વર્ષ 1967ના પરાજયથી છંછેડાયેલું ચીન વર્ષોથી સીમાને લઈને ભારત સાથે કરી રહ્યું છે ઘર્ષણ

વર્ષ 1967ના પરાજયથી છંછેડાયેલું ચીન વર્ષોથી સીમાને લઈને ભારત સાથે કરી રહ્યું છે ઘર્ષણ

0

દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે છેલ્લા કેટલાક સમયથી સીમા વિવાદ ચાલી રહ્યો છે. હવે આ સીમા વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. આ પ્રથમવાર નથી કે, ભારત અને ચીનના સૈનિકો વચ્ચે અથડામણ થઈ હોય. અગાઉ પણ બંને દેશના સૈન્ય જવાનો વચ્ચે અથડામણ થઈ હતી. પરંતુ 45 વર્ષ બાદ બંને દેશના જવાનો વચ્ચે હિંસક અથડામણમાં ભારતના એક-બે નહીં પરંતુ 20 જેટલા જવાનો શહીદ થયાં છે. વિસ્તારવાદી ચીને સૌપ્રથમ વાર ભારત સાથે 1962માં યુદ્ધ કર્યું હતું. ત્યાર બાદ 1967 અને 1975માં પણ ચીને નાપાક હરકત કરી હતી. ત્યારે હવે ફરી એકવાર ચીનના જવાનોએ ભારતીય સૈન્ય ઉપર હુમલો કરતા સરહદ ઉપર વાતાવરણ ફરી એકવાર તંગ બન્યું છે.

વર્ષ 1962માં ભારત અને ચીનના જવાનો વચ્ચે તકરાર થઈ હતી. આ તકરારે ગંભીર સ્વરૂપ ધારણ કરી લેવા બંને દેશો વચ્ચે યુદ્ધ થયું હતું. આ યુદ્ધ માટે ભારત તૈયાર ન હતું. જ્યારે ચીને યુદ્ધની તૈયારીઓ કરી હોવાથી તેનો વિજય થયો હતો. જો કે, આ યુદ્ધમાં ભારત પણ ક્યાંય પાછુ પડ્યું ન હતું. 1962ના યુદ્ધમાં થયેલી પરાજયનો બદલે ભારતે 1967માં લીધો હતો. વર્ષ 1967માં ભારતીય જવાનોએ ચીનની નાપાક હરકતનો તાબડતોબ જવાબ આપવાની સાથે અનેક ચીની સૈનિકોને માર્યાં હતા. એટલું જ નહીં અનેક બંકરો પણ તોડી પાડ્યાં હતા. આ લડાઈ ચીન માટે સબક સમાન હતી.

ભારતે નાથુલાથી સેબુલા સુધી બોર્ડર ઉપર તાર ફેન્સીંગ કર્યું હતું. આ બોર્ડર 14200 ફીટ ઉપર સિક્કિમમાં આવેલી છે. જ્યાંથી જુના ગેંગટોક, યાતુંગ અને લ્હાસા વેપાર માર્ગ પસાર થાય છે. વર્ષ 1965માં ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધના સમયગાળામાં જ ચીને ભારતને નાથુલા અને જેલેપલા ખાલી કરવા કહ્યું હતું. ભારતે જેલેપલા ખાલી કરી દીધું હતું પરંતુ નાથુલા પર સ્થિતિ પહેલા જેવી જ રહી હતી. ત્યાર બાદ નાથુલા વિવાદ કેન્દ્રનું સ્થાન રહ્યું હતું. બોર્ડર ઉપર તાર ફેન્સીંગનો ચીને વિરોધ કરીને ભારતીય જવાનો સાથે તકરાર કરી હતી. એટલું જ નહીં ભારતીય જવાનો ઉપર ગોળીઓ પણ વરસાવી હતી. જેનો વળતો જવાબ ભારતીય સેનાએ આપ્યો હતો. જો કે, કેટલાક દિવસો સુધી ચાલેલી આ તકરારમાં ભારતીય જવાનોએ પોતાની જગ્યા સાચવી રાખી હતી.

આ ઘટનાથી સબક લેવાને બદલે 20 દિવસ બાદ ફરી એકવાર ચીની સેનાએ ભારતીય સીમામાં આગળ વધવાનો પ્રયાસ કર્યો હતો. સિક્કિમ-તિબેટ બોર્ડર પર નાથુલા નજીક ચોલામાં આ ઘટના બની હતી. જેમાં ભારતના કેટલાક જવાનો શહીદ પણ થયાં હતા. જો કે, ભારતીય જવાનોએ ચીનને તેની જ ભાષામાં જવાબ આપતા ચીનની પીછેહઠ થઈ હતી. ભારતીય સેનાનો દેશ પ્રત્યેનો પ્રેમ જોઈને ચીન પણ સ્તબ્ધ થઈ ગયું હતું. આ યુદ્ધમાં ભારતના 80 જવાનો શહીદ થયાં હતા. જ્યારે ભારતીય જવાનોએ ચીનના 300થી વધારે જવાનોને ઠાર માર્યાં હતા.

વર્ષ 1967માં મળેલા પરાજયથી ચીન વધારે ઉશ્કેરાયું હતું. તેમજ તેનો બદલો લેવા માંગતુ હતું. દરમિયાન વર્ષ 1975માં અરૂણાચલ પ્રદેશના તુલુંગલામાં અસમ રાઈફલ્સના જવાનોની પેટ્રોલીંગ ટીમ ઉપર ચીની સેનાએ હુમલો કર્યો હતો. જેમાં ભારતના ચાર જવાનો શહીદ થયાં હતા. 20મી ઓક્ટોબર 1975માં ચીને સીમા ક્રોસ કરીને ભારતીય સૈન્ય ઉપર હુમલો કર્યો હોવાનું જે તે વખતે ભારત સરકારે કહ્યું હતું. જો કે, ચીને ભારત સરકારના દાવાને ફગાવી દઈને ભારતીય જવાનો ઉપર આક્ષેપ કર્યો હતો. ભારતીય જવાનોએ બોર્ડર ક્રોસ કરીને ચીનની પોસ્ટ ઉપર હુમલો કર્યાનો ચીને લુલો બચાવ કર્યો હતો.

વર્ષ 1987માં પણ ચીને ભારતીય સીમામાં ઘુસણખોરી કરતા વિવાદ સર્જાયો હતો. ચીનની સૈનાએ ભારતીય સીમામાં ઘુસણખોરી કરીને સમદોરાંગચૂમાં તંબુ બાંધ્યાં હતા. જેથી ભારતીય જવાનોએ તેમને સમજાવવાના અનેક પ્રયાસ કર્યા હતા. જો કે, ચીની સૈન્ય સમજવા તૈયાર જ ન હતું. જેથી ચીનના જવાનોને પરત મોકલવા માટે ભારતીય સેનાએ ઓપરેશન ફાલ્કન હાથ ધર્યું હતું. તેમજ હાથુંગલા પર્વતીય વિસ્તારમાં ભારતીય જવાનોએ પોઝીશન સંભાળી લીધી હતી. જેથી ચીનની તમામ હરકત ઉપર નજર રાખી શકાય.

બીજી તરફ લદાખથી લઈને સિક્કિમ સુધી ચીન બોર્ડર ઉપર ભારતીય જવાનોને તૈનાત કરવામાં આવ્યાં હતા. આ દરમિયાન બંને દેશો વચ્ચે વાતચીતમાં આ વિવાદનો ઉક્કેલ આવ્યો હતો. જો કે, વર્ષ 2020માં ભારત અને ચીન વચ્ચે સીમાને લઈને થયેલી અથડામણે હિંસાનું સ્વરૂપ ધારણ કર્યું છે. સીમાને લઈને ચાલતા વિવાદને લઈને ભારત-ચીનની સૈન્યના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે બેઠક થઈ હતી. આ દરમિયાન જ ચીને નાપાક હરકત કરીને ભારતીય જવાનો ઉપર હિંસક હુમલો કર્યો હતો. આમ વર્ષો બાદ ભારત-ચીન સીમા ઉપર ફરી એકવાર વાતાવરણ તંગ બન્યું છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.