
દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા સીમા વિવાદ વચ્ચે ભારતે ચીનની 59 જેટલા મોબાઈલ એપ્લિકેશન ઉપર પ્રતિબંધ ફરમાવ્યાની સાથે દેશમાં કાર્યરત ચીનની કંપનીઓ સામે પણ લાલઆંખ કરી છે. ત્યારે પોતોના દેશમાં ફેસબુક અને વોટ્સએપ સહિતની વિદેશી એપ અને સોફ્ટવેર ઉપર પ્રતિબંધ ફરમાવનારા ચીને નારાજગી વ્યક્ત કરી છે. ત્યારે અમેરિકા સહિતના અનેક દેશો ભારતના સમર્થનમાં આવ્યાં છે. એટલું જ નહીં અમેરિકામાં પણ ટીકટોક ઉપર પ્રતિબંધની માંગણી ઉઠી છે. ચાઈનાની મોબાઈલ એપ્લિકેશન અને ટેકનોલોજીનો અનેક દેશો વિરોધ કરી રહ્યાં છે. પરંતુ ચીનની ટેક્નોલોજી અને મોબાઈલ એપ્લિકેશનનો વિરોધ કરનારો ભારત પ્રથમ દેશ છે. જ્યારે દુનિયાના અન્ય દેશો ચીનની કાર્યવાહીથી ડરીને આ પગલું નહીં ભરતા હોવાનું તજજ્ઞો માની રહ્યાં છે. ભારતના પગલા સામે ચીને WTOમાં જવાની ધમકી આપી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર ચીનમાં ગુગલ અને ફેસબુક જેવી વિદેશી કંપનીઓ ઉપર પ્રતિબંધ છે. જ્યારે ચીનની પ્રજા ચીનમાં જ તૈયાર કરેલી સાઈટ અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શકે તેવી વ્યવસ્થા કરી છે. એટલું જ નહીં સૌ પ્રથમ ચીને જ વૈશ્વિક ઈન્ટરનેટની દિવાર ઉભી કરવાની કામગીરી શરૂ કરી હતી. ચાઈનાએ પોતાના દેશમાં તૈયાર થયેલી એપ્સનો ઉપયોગ વધે અને પોતાના નાગરિકોના ડેટા બહાર ન જાય તથા નાગરિકોની ગુપ્ત તથા અન્ય વાતચીત પકડી શકાય તે દિશામાં કામગીરી કરી રહ્યું છે. ત્યારે હવે ભારતે પણ ચીનના માર્ગ ઉપર ચાલીને ચીનની જ 59 જેટલી મોબાઈલ એપ્લિકેશન રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને પ્રતિબંધિત કરી છે.
ચીનની સોફ્ટવેર કંપનીઓ વૈશ્વિક સ્તર પર ફેલાયેલી છે. પરંતુ ભારતના પગલાથી ચીનનો વ્યવસાય અટકે તેવી શક્યતા જોવા મળી રહી છે. ભારત સરકારે રાષ્ટ્રીય હિતને ધ્યાનમાં રાખીને લીધેલા નિર્ણયને દુનિયાના અનેક દેશોએ સમર્થન આપ્યું છે. તેમજ અમેરિકાએ પણ ચીનની પાંચ જેટલી કંપનીઓ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ ઉપરાંત ચીનની પ્રખ્યાત ટીકટોક એપ્લિકેશન ઉપર પ્રતિબંધની માંગણી અમેરિકામાં ઉઠી છે. એટલું જ નહીં જો ચીન પોતાના દેશમાં વિદેશી ટેકનોલોજી અને મોબાઈલ એપ્લિકેશન ઉપર પ્રતિબંધ ફરમાવી શકે તો ભારત કેમ ચીનની મોબાઈલ એપ્લિકેશન ઉપર પ્રતિબંધ કેમ ન ફરમાવી શકે તેવા સવાલો રાજકીય વિશ્લેસકોએ કર્યાં છે.