લોકસભા ચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પોતાના પદ પરથી રાજીનામું આપવા માટે અડગ છે. તેમણે ચૂંટણી બાદ કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં પોતાના રાજીનામાની પેશકશ કરી હતી. તેના પછી પાર્ટી તરફથી જેટલા પણ નિર્ણય લેવામાં આવ્યા છે, તે ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી તરફથી લેવામાં આવ્યા છે.
ગુરુવારે 27 જૂન-2019ના છત્તીસગઢ માટે મોહન મર્કમના કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ તરીકે પસંદ થવાના આદેશમાં કોંગ્રેસ અધ્યક્ષનો ઉલ્લેખ થયો. ચૂંટણી બાદ આ પહેલો મોકો હતો, જ્યારે કોઈ આદેશને કોંગ્રેસ અધ્યક્ષ તરફથી જાહેર કરવામાં આવ્યો હતો.
જો કે આ આદેશમાં રાહુલ ગાંધીનું નામ લખવામાં આવ્યું નથી, માત્ર કોંગ્રેસ અધ્યક્ષ લખવામાં આવ્યું છે. તેનાથી સ્પષ્ટ છે કે પાર્ટીની અંદર હજીપણ અસમંજસની સ્થિતિ છે. એક તરફ જ્યાં કોંગ્રેસ વર્કિંગ કમિટી તેમનું રાજીનામું સ્વીકારી રહી નથી, તો બીજી તરફ રાહુલ ગાંધી રાજીનામું આપવાના નિર્ણય પર અડગ છે.
એ વાત એટલા માટે પણ નક્કર થઈ જાય છે, કારણ કે તાજેતરમાં રાહુલ ગાંધીએ હરિયાણાના નેતાઓની સાથે બેઠક હતી. બેઠકમાં તેમણે કહ્યુ હતુ કે તે રાજ્યના નેતૃત્વમાં કોઈ પરિવર્તન નહીં કરી શકે, કારણ કે તે અધ્યક્ષ નથી. આ ઘટનાક્રમ વચ્ચે મીડિયામાં એ વાતની પણ ચર્ચા છે કે આગામી દિવસોમાં કોંગ્રેસશાસિત કોઈ એક રાજ્યના મુખ્યપ્રધાન પોતાના પદ પરથી રાજીનામું આપે તેવી શક્યતા છે.
રાહુલ ગાંધીનું રાજીનામું જો સ્વીકારી લેવામાં આવે છે, તો તેવી સ્થિતિમાં કોઈઈ એવા શખ્સની તલાશ કરી શકાય છે કે જે બહુમતીનું નેતૃત્વ કરતો હોય. જો કે પાર્ટીના કેટલાક નેતાઓ માને છે કે અધ્યક્ષ પદ પર લઘુમતી સમુદાયના કોઈ નેતાની નિયુક્તિ કરવી જોઈએ, જેનાથી ભાજપની રાજનીતિને પ્રભાવિત કરી શકાય. જો કે રાજકીય વર્તુળોમાં એવા અહેવાલ છે કે મોટાભાગના કોંગ્રેસી નેતા પાર્ટીના આગામી અધ્યક્ષ દક્ષિણ ભારતના હોય તેવું ઈચ્છે છે.