Site icon hindi.revoi.in

ભારતના અંતરીક્ષ મિશન ચંદ્રયાન-2ની પહેલી તસવીરો, 15 જુલાઈએ સવારે 2:51 વાગ્યે લોન્ચિંગ

Social Share

બેંગાલુરુ: ભારતીય અંતરીક્ષ એજન્સી ઈસરોએ ભારતના અંતરીક્ષ મિશન ચંદ્રયાન-2ની પહેલી તસવીરો જાહેર કરી છે. ઈસરોના એલાન પ્રમાણે, 15 જુલાઈએ સવારે 2-51 મિનિટે તેનું પ્રક્ષેપણ કરવામાં આવશે.

પહેલા ચંદ્રયાન-2 મિશન 9થી 16 જુલાઈની વચ્ચે લોન્ચ કરવામાં આવશે. આશા છે કે ચંદ્રયાન-2 છ સપ્ટેમ્બરે ચંદ્ર પર ઉતરાણ કરશે.

ભારતીય અંતરીક્ષ એજન્સી ઈસરો 11 વર્ષ બાદ ફરી એકવાર ચંદ્રની સપાટી પર જવાની તૈયારીમાં છે. દેશના બીજા મૂન મિશન ચંદ્રયાન-2માં ઘણી ખાસયિતો છે. ચંદ્રયાન-2માં એકપણ વિદેશી પેલોડ નહીં હોય. મિશનમાં 13 ભારતીય પેલોડ અને અમેરિકાની અંતરીક્ષ એજન્સી નાસાનું એક ઉપકરણ સામેલ કરવામાં આવ્યું છે. તેનાથી વિપરીત ભારતનું પહેલા મૂન મિશન ચંદ્રયાન-1ની ઓર્બિટરમાં ત્રણ યુરોપીયન અને બે અમેરિકન પેલોડ્સ હતા.

ઈસરો પ્રમાણે, 13 ભારતીય પેલોડ (ઓર્બિટર પર આઠ, લેન્ડર પર ત્રણ અને રોવર પર બે) અને એક અમેરિકન પેસિવ એક્સપેરિમેન્ટ. જો કે ઈસરોએ પોતાની ઉપયોગિતા અથવા ઉદેશ્ય સંદર્ભે જાણકારી આફી નથી. 3.8 ટનના વજનના અંતરીક્ષ યાનના ત્રણ મોડ્યુલ છે. જેમાં ઓર્બિટર, લેન્ડર (વિક્રમ) અને રોવર(પ્રજ્ઞાન) સામેલ છે. તેના માટે તમામ મોડ્યુલને તૈયાર કરાયા છે.

ઈસરો પ્રમાણે, આ અભિયાનમાં જીએસએલવી માર્ક-3 પ્રક્ષેપણ યાનનો ઉપયોગ કરવામાં આવશે. ઓર્બિટર ચંદ્રની સપાટથી 100 કિલોમીટર દૂર તેનું પરિભ્રમણ કરતા વૈજ્ઞાનિક પ્રયોગ કરશે. લેન્ડર વિક્રમ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરાણ કરશે અને રોવર પ્રજ્ઞાન પોતાના સ્થાન પર પ્રયોગો કરશે. આ બંનેમાં પણ પ્રયોગ માટેના ઉપકરણો લગાવેલા છે.

ઈસરોના ચેરમેન કે. સિવને જાન્યુઆરીમાં કહ્યુ હતુ કે અમે ચંદ્ર પર તે સ્થાને ઉતરવા જઈ રહ્યા છીએ કે જ્યાં કોઈ પહોંચ્યું નથી. એટલે કે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર. આ ક્ષેત્રને અત્યાર સુધી ફંફોસવામાં આવ્યું નથી. ચંદ્રયાન-2 ગત ચંદ્રયાન-1 મિશનનું ઉન્નત સંસ્કરણ છે. ચંદ્રયાન-1 અભિયાન લગભગ 10 વર્ષ પહેલા કરવામાં આવ્યું હતું.

ચંદ્રયાન-2 લોન્ચિંગના પહેલા કેટલાક ટેસ્ટ માટે લોન્ચિંગને એપ્રિલ-2018 અને બાદમાં ઓક્ટોબર-2018માં  પાછું ઠેલવામાં આવ્યું હતું. જૂન-2018માં ઈસરોએ નિર્ણય લીધો હતો કે કેટલાક જરૂરી પરિવર્તનો કરીને ચંદ્રયાન-2નું લોન્ચિંગ જાન્યુઆરી-2019માં થશે. પરંતુ પહેલા તેને ફેબ્રુઆરી-2019 સુધી ટાળવામાં આવ્યું હતું અને બાદમાં એપ્રિલ-2019માં પણ તેના લોન્ચિંગના અહેવાલ આવ્યા હતા, પરંતુ ફરી એકવાર તેનું લોન્ચિંગ ટાળવામાં આવ્યું હતું. પરંતુ હવે ઈસરોએ કહ્યું છે કે 9થી 16 જુલાઈ વચ્ચે ચંદ્રયાન-2ને લોન્ચ કરવામાં આવશે.

Exit mobile version