મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા ચંદ્રકાંત પાટિલને મંગળવારે ભાજપના મહારાષ્ટ્ર એકમના પ્રદેશ પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
તો મંગળ પ્રભાત લોઢાને મુંબઈ ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
મહત્વપૂર્ણ છે કે મહારાષ્ટ્ર ભાજપના પ્રદેશ પ્રમુખ પદેથી રાવ સાહેબ પાટિલ દાનવેએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. મહારાષ્ટ્રમાં આ વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી પહેલા પાર્ટી રાજ્યમાં મોટા સ્તર પર સંગઠનમાં પરિવર્તન કરે તેવી શક્યતા છે. આ વખતે ભાજપે શિવસેના સાથે મળીને વિધાનસભા ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે.
ભાજપના વરિષ્ઠ નેતા ચંદ્રકાંત પાટિલ સમાજસેવા માટે જાણીતા છે. તેમને ભાજપ અધ્યક્ષ અમિત શાહના નિકટવર્તી માનવામાં આવે છે. ચંદ્રકાંત પાટિલે રાજકારણની શરૂઆત અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદથી કરી હતી. તેઓ લાંબા સમય સુધી એબીવીપી સાથે જોડાયેલા રહ્યા હતા. તેમણે બાદમાં આરએસએસમાં પ્રવેશ કર્યો હતો.
તેના પછી તેમના માટે ભાજપમાં આવવાનો માર્ગ ખુલ્યો હતો. ભાજપની સાથે જોડાયા બાદ ચંદ્રકાંત પાટિલે પોતાની મહેનતથી જનતાના દિલમાં સ્થાન બનાવ્યું છે.