Site icon Revoi.in

આંધ્રપ્રદેશના ભૂતપૂર્વ સીએમ ચંદ્રાબાબુ નાયડુની સુરક્ષા ઘટાડવામાં આવી, એરપોર્ટ પર લેવામાં આવી તલાશી

Social Share

વિજયવાડા: આંધ્રપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન ચંદ્રાબાબુ નાયડુની સુરક્ષામાં ઘટાડો કરવામાં આવ્યો છે. રાજ્યના ગન્નવરમ એરપોર્ટ પર ભૂતપૂર્વ મુખ્યપ્રધાન ચંદ્રાબાબુની મોડી રાત્રે તલાશી લેવામાં આવી હતી. નાયડુને વિમાન સુધી જવા માનીટે વીઆઈપી સુવિધાથી પણ વંચિત કરવામાં આવ્યા હતા. તેમને સામાન્ય પ્રવાસીઓ સાથે શટલ બસમાં પ્રવાસ કરવો પડયો હતો.

આંધ્રપ્રદેશ વિધાનસભામાં વિપક્ષના નેતા ચંદ્રાબાબુ નાયડુને ઝેડ પ્લસ કેટેગરીની સુરક્ષા મળેલ છે. તેમા 2 કલાક તેમની સાથે 23 સુરક્ષાકર્મીઓ અને એસ્કોર્ટની ગાડીઓ રહે છે. 2003માં તિરુપતિના અલિપિરિમાં માઓવાદીઓ દ્વારા તેમના પર કરવામા આવેલા હુમલા બાદથી તેમને ઝેડ પ્લસ સુરક્ષા આપવામાં આવેલી છે.

આ ઘટના પર ટીડીપીએ તીખી પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. ટીડીપીનો આરોપ છે કે ભાજપ અને વાઈએસઆર કોંગ્રેસ પાર્ટી કિન્નાખોરીનું રાજકારણ ખેલી રહ્યા છે. ટીડીપીએ કહ્યુ છે કે પાર્ટી પ્રમુખ ચંદ્રાબાબુ નાયડુ ભારતીય રાજકારણમાં સમ્માનિત સ્થાન ધરાવે છે અને તેમની સાથે આવો વ્યવહાર પાર્ટી વખોડે છે.

ટીડીપીના નેતા અને રાજ્યના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન ચિન્ના રાજપ્પાએ કહ્યુ છે કે અધિકારીઓનું વલણ માત્ર અપમાનજનક જ ન હતું. પરંતુ તેમણે નાયડુની સુરક્ષા પર પણ સમજૂતી કરી હતી, કારણ કે નાયડુને ઝેડ પ્લસ કેટેગરીની સુરક્ષા પ્રાપ્ત છે.

તેમણે કહ્યુ છે કે નાયડુને ક્યારેય પણ આવી સ્થિતિનો સામનો કરવો પડયો નથી, જો કે ત્યારે તેઓ ઘણાં વર્ષોથી વિપક્ષમાં હતા. તેમણે કેન્દ્ર અને રાજ્ય સરકારને ચંદ્રાબાબુની યોગ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવાની પણ માગણી કરી છે.