કેન્દ્ર સરકારે શનિવારે રાફેલ ડીલ પર સુપ્રીમ કોર્ટના આદેશ વિરુદ્ધ દાખલ પુનર્વિચાર અરજીઓ પર પોતાનો જવાબ આપ્યો. કેન્દ્રએ કહ્યું કે રાફેલ ડીલ પર વડાપ્રધાન ઓફિસ (પીએમઓ) દ્વારા નજર રાખવાને સમાનાંતર સોદાબાજી માની શકાય નહીં. સુપ્રીમ કોર્ટે 14 ડિસેમ્બર, 2018ના રોજ આપવામાં આવેલા પોતાના આદેશમાં રાફેલ ડીલ નિર્ધારિત પ્રક્રિયા હેઠળ કરી હોવાનું જણાવ્યું હતું અને સરકારને ક્લીનચીટ આપી હતી. આ આદેશ વિરુદ્ધ પુનર્વિચાર અરજી દાખલ કરવામાં આવી. મામલા પર આગામી સુનાવણી 6 મેના રોજ થશે.
જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ એસકે કૌલ અને જસ્ટિસ કેએમ જોસેફની બેંચ સામે કેન્દ્રએ કહ્યું- તત્કાલીન સંરક્ષણમંત્રીએ ફાઇલમાં એ વાતનો ઉલ્લેખ કર્યો હતો કે એવું લાગે છે કે પીએમઓ અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ કાર્યલયે ડીલની પ્રોગ્રેસ પર નજર રાખી. જે સમિટમાં થયેલી મુલાકાતનું પરિણામ લાગે છે.
કેન્દ્રએ દાવો કર્યો કે સુપ્રીમ કોર્ટ દ્વારા ડીલને નિર્ધારિત પ્રક્રિયા હેઠળ અને યોગ્ય ઠેરવવાનો નિર્ણય સાચો હતો. અપ્રામાણિક મીડિયા રિપોર્ટ અને વિભાગીય ફાઇલ્સમાં કરવામાં આવેલી ટિપ્પણીઓને જાણીજોઈને એક ચોક્કસ રીતે રજૂ કરવામાં આવી. તેને પુનર્વિચારનો આધાર ન માની શકાય.
આ વર્ષે ફેબ્રુઆરીમાં સંસદમાં રજૂ કરવામાં આવેલા કેગ રિપોર્ટનો ઉલ્લેખ કરીને કેન્દ્રએ કહ્યું- રિપોર્ટમાં આંતઃસરકારી કરારોમાં 36 રાફેલ વિમાનોની જે કિંમત આપવામાં આવી હતી, તેને યોગ્ય માનવામાં આવી. તેમાં કહેવામાં આવ્યું હતું કે આંતઃસરકારી કરારોમાં સામાન્ય રીતે દેશની સુરક્ષા માટે કરવામાં આવી રહેલા રક્ષા સોદાઓની કોઈ તુલનાત્મક કિંમતો નથી આપવામાં આવતી. રક્ષા અધિગ્રહણ સમિતિએ 28 ઓગસ્ટથી સપ્ટેમ્બર 2015 વચ્ચે કિંમત, ડિલિવરીનો સમય અને મેઇન્ટેનન્સ જેવા પાસાઓ પર સારા સોદાના નિર્દેશ આપ્યા હતા.
14 ડિસેમ્બર, 2018ના રોજ સુપ્રીમ કોર્ટે રાફેલ ડીલમાં કોર્ટની દેખરેખમાં તપાસ સમિતિના ગઠનનો ઇનકાર કરી દીધો હતો. કોર્ટે કહ્યું હતું કે આ સોદાની નિર્ણય પ્રક્રિયામાં કોઇ શંકા લાગતી નથી. કોર્ટે એમ પણ કહ્યું હતું કે કિંમતોની બાબતમાં પડવું અમારું કામ નથી. રાફેલની કિંમતોને લઈને તપાસ કરવાની કોઈ જરૂરત નથી. ત્યારબાદ યશવંત સિંહા, અરૂણ શૌરી અને પ્રશાંત ભૂષણે આ વર્ષે જાન્યુઆરીમાં સુપ્રીમ કોર્ટમાં પુનર્વિચાર અરજીઓ દાખલ કરી હતી. અરજકર્તાઓએ કહ્યું હતું કે કોર્ટના નિર્ણયોમાં કેટલીક ખામીઓ છે. આ નિર્ણય સરકાર દ્વારા સીલબંધ પરબિડિયામાં આપવામાં આવેલા કેટલાક ખોટા દાવાઓના આધારે કરવામાં આવ્યો છે, જ્યારે આ દાવાઓ પર સહી પણ કરવામાં આવી નથી. આ સામાન્ય ન્યાયના સિદ્ધાંતોનું ઉલ્લંઘન છે.