લોકસભા ચૂંટણીમાં વિપક્ષે રાફેલ લડાયક વિમાન ડીલમાં અનિયમિતતાઓનો આરોપ લગાવીને તેને સૌથી મોટો મુદ્દો બનાવ્યો. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આ ડીલ માટે સીધા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જવાબદાર ઠેરવ્યા.આ તમામ આરોપો છતાંપણ દેશની જનતાએ નરેન્દ્ર મોદીને ચૂંટ્યા અને બીજેપીને પ્રચંડ બહુમત આપ્યો. હવે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બીજી વખત વડાપ્રધાનપદના શપથ લેવા જઇ રહ્યા છે ત્યારે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં લેખિત જવાબ આપીને રાફેલ સાથે જોડાયેલી અરજીઓ રદ કરવાની માંગ કરી છે.
સુપ્રીમ કોર્ટને મોકલવામાં આવેલા લેખિત જવાબમાં સરકારે કહ્યું છે કે રાફેલ મુદ્દે પુનર્વિચારણા અરજી નકલી અને ખોટા આરોપો પર આધારિત છે. સરકારે કોર્ટને જણાવ્યું કે રક્ષા મંત્રાલયે સુપ્રીમ કોર્ટ પાસેથી કોઈ જાણકારી છુપાવી નથી.
આ ઉપરાંત કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને આ ડીલમાં વડાપ્રધાન ઓફિસની દરમિયાનગીરીવાળા આરોપ પર પણ જવાબ આપ્યો. સરકારે કોર્ટને જણાવ્યું કે આ રક્ષા સોદામાં વડાપ્રધાન ઓફિસ તરફથી કોઈ સમાનાંતર વાતચીત નથી કરવામાં આવી.
આ તમામ તર્કો આપીને કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું કે આ સંબંધે ફાઇલ કરવામાં આવેલી અરજી ચોરી થયેલી ફાઇલ્સમાંથી લેવામાં આવેલી કેટલીક જાણકારીઓ પર આધારિત છે, જેની ખોટી વ્યાખ્યા કરવામાં આવી છે.
સરકારે કહ્યું, ‘કોઇપણ હસ્તક્ષેપથી ભારતીય વાયુસેનાની કાર્યપ્રણાલી પર પ્રભાવ પડી શકે છે. રાફેલ ડીલમાં હસ્તક્ષેપ કરવા અને કરારની તપાસ કરાવવાનો વ્યર્થ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. કોર્ટને પહેલા પણ ચુકાદો આપતી વખતે કોઈ ખામી મળી નહોતી. કેગના રિપોર્ટે પણ સરકારના પગલાંને સાચું ઠેરવ્યું છે, પરિણામે અરજીઓ રદ કરવામાં આવે.’