નવી દિલ્હી : સીબીઆઈએ મંગળવારે ભ્રષ્ટાચાર, છેતરપિંડી અને હથિયારોની તસ્કરીના મામલામાં દરોડાની કાર્યવાહી કરી છે. સીબીઆઈએ 19 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોના 110 સ્થાનો પર દરોડા પાડયા છે. આ મામલામાં સીબીઆઈએ 30 અલગ-અલગ કેસ દાખલ કર્યા છે. એક સપ્તાહ પહેલા પણ સીબીઆઈએ બેંકો સાથે કથિતપણે છેતરપિંડી કરનારાઓ વિરુદ્ધ સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું.
2 જુલાઈએ સીબીઆઈએ દેશભરમાં 18 શહેરોના 50 ઠેકાણાની તપાસ કરી હતી. આ મામલામાં 14 કેસ નોંધવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે તમામ મામલા 640 કરોડ રૂપિયાના ફંડના ડાયવર્ઝન સાથે જોડાયેલા છે. સીબીઆઈની 12 ટુકડીઓએ દિલ્હી, મુંબઈ, લુધિયાણા, થાણે, વલસાડ, પુણે, પલાની, ગયા, ગુરુગ્રામ, ચંદીગઢ, ભોપાલ, સૂરત અને કોલાર સહીત કેટલાક શહેરોમાં દરોડાની કાર્યવાહી કરી હતી.
નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે 1 જુલાઈએ લોકસભામાં કહ્યું હતું કે નાણાંકીય વર્ષ 2018-19માં પબ્લિક સેક્ટર બેંકોમાં થયેલી છેતરપિંડી મામલાની સંખ્યા 739 રહી, જે ગત નાણાંકીય વર્ષમાં 1545 હતી. બેંકોએ ગત પાંચ વર્ષોમાં કાયદાકીય કાર્યવાહી દ્વારા નોન પરફોર્મિંગ એસેટ્સ તરીકે બે લાખ છ હજાર 586 કરોડ રૂપિયા રિકવર કરયા. તેમણે એક અન્ય સવાલના જવાબમાં કહ્યુ કે ગત બે વર્ષ નાણાંકીય વર્ષમાં દેશભરમાં એટીએમથી નાણાં કાઢવાના મામલામાં કુલ 11816 હતી.