લખનૌ: ભૂતપૂર્વ માઈનિંગ પ્રધાન રહેલા ગાયત્રી પ્રજાપતિના ઠેકાણાઓ પર સીબીઆઈએ દરોડા પાડયા છે. માઈનિંગ ગોટાળાની તપાસ કરી રહેલી સીબીઆઈએ બુધવારે અમેઠીમાં ગાયત્રા પ્રજાપતિના નિવાસસ્થાન સહીત 22 ઠેકાણાઓ પર દરોડાની કાર્યવાહી કરી છે. ગાયત્રી પ્રજાપતિના પરિવારજનોની પૂછપરછ થઈ રહી છે. હાલ ગાયત્રી પ્રજાપતિ બળાત્કારના આરોપમાં જેલમાં બંધ છે.
ગાયત્રી પ્રજાપતિ અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટીની સરકારમાં માઈનિંગ પ્રધાન હતા. તેમના પર ગેરકાયદેસર ખનનના ઘણાં આરોપ લાગી ચુક્યા છે. તે એક મહિલા સાથેના ગેંગરેપના મામલામાં પણ આરોપી છે. આ મામલામાં તેમણે અલ્હાબાદ હાઈકોર્ટમાં જામીન અરજી કરી હતી. પરંતુ કોર્ટ તેમની અરજી નામંજૂર કરી ચુકી છે.
આ મામલામાં ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અખિલેશ યાદવની પણ તપાસ થવાની શક્યતા છે. તેઓ 2012થી 2017 દરમિયાન યુપીના મુખ્યપ્રધાન હતા. ગેરકાયદેસર માઈનિંગનો મામલો 2012થી 2016 વચ્ચેનો સામે આવ્યો હતો. સીબીઆઈના સૂત્રોને ટાંકીને મીડિયા અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે 2012થી 2016 વચ્ચે યુપી સરકાર તરફથી જાહેર કરવામાં આવેલા 22 ટેન્ડરની તપાસ થઈ રહી છે. તેમા 14 ટેન્ડર એવા છે કે જે અખિલેશ યાદવના મુખ્યપ્રધાન તરીકેના કાર્યકાળ 2012-13ની વચ્ચેના છે. સૂત્રો પ્રમાણે, 22 મામલાઓમાં 14 મામલા એવા છે કે જે અખિલેશ યાદવના માઈનિંગ પ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાનના છે, જ્યારે બાકીના મામલા ગાયત્રી પ્રજાપતિના સમયગાળાના છે, કે જ્યારે તેઓ માઈનિંગ પ્રધાન હતા.
આ પહેલા જાન્યુઆરીમાં પણ સીબીઆઈએ યુપીના ઘણાં સ્થાનો પર દરોડાની કાર્યવાહી કરી હતી. તેમા વરિષ્ઠ આઈએએસ અધિકારી બી. ચંદ્રકલાનું નામ પણ સામેલ હતું. તેમના ઘરે દરોડાની કાર્યવાહી થઈ હતી. ચંદ્રકલા બિજનૌર, બુલંદશહર અને મેરઠના કલેક્ટર રહી ચુક્યા છે. અખિલેશ યાદવ સરકારમાં ચંદ્રકલા ગેરકાયદેસર માઈનિંગને લઈને પ્રકાશમાં આવ્યા હતા.
આ માઈનિંગ ગોટાળો યુપીમાં સમાજવાદી પાર્ટીની સરકારના કાર્યકાળ દરમિયાન 2012થી 2016 વચ્ચેનો હતો. અલ્હાબાદ હાઈકોર્ટના આદેશ પર સીબીઆઈએ આ ગોટાળાની તપાસ શરૂ કરી છે. હાઈકોર્ટે બે અલગ-અલગ જાહેરહિતની અરજીઓ પર 28 જુલાઈ-2016ના રોજ ગેરકાયદેસર માઈનિંગની તપાસના આદેશ આપ્યા હતા. તપાસમાં સીબીઆઈને 2012-16 દરમિયાન હમીરપુર જિલ્લામાં વ્યાપક પ્રમાણમાં ગેરકાયદેસર માઈનિંગ સંદર્ભેના પુરાવા મળ્યા હતા. આ ગેરકાયદેસર માઈનિંગને કારણે સરકારી મહેસૂલને મોટું નુકસાન થયું હતું.
યુપીમાં ગેરકાયદેસર માઈનિંગના મામલામાં સીબીઆઈએ 11 લોકો વિરુદ્ધ એક મામલો નોંધ્યો છે. સીબીઆઈએ હમીરપુર જિલ્લાના ભૂતપૂર્વ કલેક્ટર અને આઈએએસ અધિકારી બી. ચંદ્રકલા, ખણિક આદિલ ખાન, ભૂવૈજ્ઞાનિક- ખનન અધિકારી મોઈનુદ્દીન, સમાજવાદી પાર્ટીના નેતા રમેશકુમાર મિશ્રા, તેમના ભાઈ દિનેશકુમાર મિશ્રા, રામ આશ્રય પ્રજાપતિ, હમીરપુરના ખનન વિભાગના ભૂતપૂર્વ ક્લાર્ક સંજય દિક્ષિત, તેમના પિતા સત્યદેવ દિક્ષિત અને રામઅવતાર સિંહના નામ એફઆઈઆરમાં સામેલ છે. સંજય દિક્ષિતે 2017ની વિધાનસભાની ચૂંટણી બીએસપીની ટિકિટ પર લડી હતી.