Site icon Revoi.in

નવો રાજકીય કોયડો: કોણ બનશે કોંગ્રેસ અધ્યક્ષ? પંજાબના સીએમ કેપ્ટન અમરિન્દરસિંહે આપી ‘વરિષ્ઠો’ને સલાહ

Social Share

નવી દિલ્હી: રાહુલ ગાંધીના રાજીનામા બાદ પણ આગામી કોંગ્રેસ અધ્યક્ષના સવાલ પર તમામ કોંગ્રેસી નેતાઓએ મોંઢામાં મગ ભરી લીધા છે. તો વરિષ્ઠ કોંગ્રેસી નેતા અને પંજાબના મુખ્યપ્રદાન કેપ્ટન અમરિન્દરસિંહે મોટું નિવેદન આપ્યું છે.

કેપ્ટન અમરિન્દરસિંહે કોઈ યુવાન નેતાને અધ્યક્ષ બનાવવાની તરફેણ કરી છે. તેમણે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓને નવા લોકો માટે માર્ગ આપવાની સલાહ પણ આપી છે. લોકસભા ચૂંટણીમાં કારમી હાર બાદ રાહુલ ગાંધીએ કોંગ્રેસના અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું છે.

હવે કેપ્ટન અમરિન્દર સિંહે નિવેદન જાહેર કરીને કહ્યુ છે કે દેશના બહુસંખ્યક યુવાવર્ગના લોકોને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ વર્કિંગ કમિટીએ રાહુલ ગાંધીના વિકલ્પ તરીકે નવી પેઢીના એવા નેતાને કમાન સોંપવી જોઈએ, જે પોતાની દેશવ્યાપી ઓળક અને જમીન સાથે જોડાણ દ્વારા લોકોને ઉત્સાહીત કરી શકે.

કેપ્ટન અમરિન્દરસિંહનું નિવેદન એટલા માટે મહત્વપૂર્ણ છે, કારણ કે આગામી કોંગ્રેસ અધ્યક્ષને લઈને પહેલીવાર કો નેતાએ વિચાર રજૂ કર્યા છે. રાહુલ ગાંધીએ જાહેરમાં રાજીનામું આપ્યું હોવા છતાં પાર્ટીના નેતા કહી રહ્યા છે કે કોંગ્રેસ વર્કિંગ કમિટી ફરી એકવાર રાહુલ ગાંધીને રાજીનામું પાછું લેવાની માગણી કરશે. મહત્વપૂર્ણ છે કે આ મામલા પર કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક નજીકના ભવિષ્યમાં યોજાવાની શક્યતા છે.

કોંગ્રેસના આગામી અધ્યક્ષ તરીકે સૂત્રોને ટાંકીને આવતા અહેવાલોમાં કેટલાક નામોની ચર્ચા છે. જેમાં સુશીલકુમાર શિંદે, મલ્લિકાર્જૂન ખડગે, રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગહલોત, વેણુગોપાલ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદ સુધીના નામોની વત્તાઓછા પ્રમાણમાં ચર્ચા થઈ રહી છે. આમા મોટાભાગના નામ જૈફવયના નેતાઓના છે.

ત્યારે કેપ્ટન અમરિન્દરસિંહે કહ્યુ છે કે માત્ર એક યુવા નેતા જ ગ્રાન્ડ ઓલ્ડ પાર્ટીમાં નવો પ્રાણવાયુ ફૂંકી શકે છે. કેપ્ટન અમરિન્દરસિંહે રાહુલ ગાંધીના રાજીનામાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવીને તેને કોંગ્રેસ માટે મોટો આંચકો ગણાવ્યો છે. કેપ્ટન અમરિન્દરસિંહે ક્હયુ છે કે આમાથી ત્યારે જ ઉભરી શકે છે, જ્યારે કમાન યુવાનના સ્થાને અન્ય એક યુવા નેતાને સોંપવામાં આવે. રાહુલ ગાંધીએ પાર્ટીમાં યુવા નેતૃત્વનો માર્ગ દર્શાવ્યો છે, જે પાર્ટીને નવી ઊંચાઈ સુધી પહોંચાડી શકે છે.

કેપ્ટન અમરિન્દરસિંહે કહ્યુ છે કે યુવાવર્ગના મામલામાં ભારત દુનિયાભરમાં આગળ છે, તેવામાં યુવા નેતા લોકોની ઈચ્છા અને આકાંક્ષાઓને સારી રીતે સમજી શકે છે. પાર્ટીમાં થનારા પરિવર્તન ભારતની 65 ટકા વસ્તી જે 35 વર્ષથી ઓછી વયની છે, તેને ધ્યાનમાં રાખીને કરવા જોઈએ.

કેપ્ટન અમરિન્દરસિંહે કહ્યુ છે કે પાર્ટીના અનુભવી વડીલ નેતૃત્વના માર્ગદર્શનમાં નવો વિચાર એક યુવા નેતા નવા ભારતનો માર્ગ પ્રશસ્ત કરી શકે છે. વડીલ નેતાઓને સલાહ આપતા કેપ્ટન અમરિન્દરસિંહે કહ્યુ છે કે સમય આવી ગયો છે કે જૂના લોકો નવા લોકોને માર્ગ આપે. નહીંતર કોંગ્રેસ હાલના પડકારોનો સામનો કરી શકશે નહીં.

કેપ્ટન અમરિન્દરસિંહના નિવેદન પર સવાલ ઉભા થઈ ગયા છે કે કોંગ્રેસની પાસે યુવા નેતાઓ તરીકે ક્યાં ચહેરા છે? તેમાં રાજસ્થાનના નાયબ મુખ્યપ્રધાન સચિન પાયલટ અને કોંગ્રેસના મહાસચિવ જ્યોતિરાદિત્ય સિંધિયાના નામ અગ્રિમ પંક્તિમાં આવે છે. મુકુલ વાસનિક તરીકે કોંગ્રેસના વધુ એક મહાસચિવને આ યાદીમાં સામેલ કરી શકાય છે.

જ્યાં સુધી કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાનો સવાલ છે, તેઓ આ રેસમાં એટલા માટે નથી, કારણ કે રાહુલ ગાંધી ચાહે છે કે તેમના પછી કોંગ્રેસ અધ્યક્ષ ગાંધી પરિવારના બહારના નેતા બને. રાહુલ ગાંધીએ એમ પણ સ્પષ્ટ કર્યું છે કે નવા અધ્યક્ષની પસંદગીમાં તેમની કોઈ ભૂમિકા નહીં હોય. એટલે કે સરપ્રાઈઝ એલિમેન્ટ તરીકે પ્રિયંકા ગાંધી વાડ્રાનું નામ પણ ચર્ચામાં આવે તેવી પુરી સંભાવના છે.