નવી દિલ્હી: સોમવારે રાત્રિથી કેફે કોફી ડે એન્ટરપ્રાઈઝના ફાઉન્ડર વીજી સિદ્ધાર્થ ગાયબ થવાના અહેવાલ બાદ આજે શેરબજાર ખુલતાની સાથે જ કંપનીના શેર ખાસા ગગડયા હતા. 20 ટકાના ઘટાડા સાથે કંપનીના શેરોને લોઅર સર્કિટ લાગી છે. કંપનીના શેર 19.99 ટકાના ઘટાડા સાથે ખુલ્યા હતા.
મંગળવારે સવારે બીએસઈએ અપડેટ આપતા કહ્યું હતું કે અમે ઓથોરિટીઝની મદદથી સિદ્ધાર્થની તલાશ કરી રહ્યા છીએ. કંપની પ્રોફેશનલ ઢબે કામ કરે છે અને લીડરશિપ સારી છે, જે બિઝનસની નિયતથી ઢંગથી ચાલતા રહેવાનું સુનિશ્ચિત કરે છે. તેના પછી બજાર ખુલતાની સાથે જ વીસ ટકાના ઘટાડા બાદ કંપનીના શેર 154.05 રૂપિયાના સ્તર પર પહોંચ્યા હતા. ગત એક વર્ષ દરમિયાન કંપનીની માર્કેટ કેપમાં 44 ટકા ઘટાડો થયો છે. મહત્વપૂર્ણ છે કે આઠમી ઓગસ્ટે કંપનીના ત્રિમાસિક પરિણામ ઘોષિત થવાના હતા.
મંગળવારે શેરબજારના કારોબાર દરમિયાન સીસીડીના શેર 19.99 ટકા તૂટયા અને તેનો ભાવ 154 રૂપિયા પ્રતિ શેર પર આવી ગયો. આના પહેલા સોમવારે કંપનીના પ્રતિ શેયર ભાવ 192.22 રૂપિયાના સ્તર પર બંધ થયો હતો.
ગત પાંચ માસમાં કોફી ડે એન્ટરપ્રાઈઝિસના શેર 150 અંકથી વધારે તૂટી ગયા છે. 18 માર્ચે કંપનીના શેરો 310 રૂપિયાના ભાવ પર પહોંચી ગયા હતા. તે આ વર્ષે સૌથી ઉચ્ચત્તમ સ્તરે છે. કોફી ડે એન્ટરપ્રાઈઝના શેર 21 સપ્ટેમ્બર-2018ના રોજ 325 રૂપિયાના ભાવ પર પહોંચી ગયા હતા. આ કંપનીના શેરના ભાવમાં અત્યાર સુધીની સૌથી મોટી બઢત છે.
જણાવવામાં આવે છે કે કેફે કોફી ડેના ફાઉન્ડર વીજી સિદ્ધાર્થની કંપની પર 7000 કરોડ રૂપિયાથી વધારેનું દેવું હતું. સિદ્ધાર્થ ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન એસ. એમ. કૃષ્ણાના જમાઈ છે. દેશમાં 247 શહેરોમાં સીસીડીના કુલ 1758 કેફે છે. કંપનીની માર્કેટ કેપ લગભગ 3254 રૂપિયા છે.
કેફે કોફી ડેની શરૂઆત જુલાઈ-1996માં બેંગલુરુથી થઈ હતી. પહેલી કોફી શોપ ઈન્ટરનેટ કેફે સાથે ખોલવામાં આવી હતી. આ એ સમયની વાત છે કે જ્યારે દેશમાં ઈન્ટરનેટની જાળ બિછાવાય રહી હતી. ઈન્ટરનેટની સાથે કોફીની મજા નવજુવાનિયાઓ માટે ખાસ અનુભવ હતો. જો કે બાદમાં સીસીડીએ પોતાના મૂળ વ્યવસાય કોફી સાથે રહેવાનો નિર્ણય કર્યો હતો.
સિદ્ધાર્થે ગાયબ થતા પહેલા પોતાની આખરી ચિટ્ઠીમાં લખ્યું છે કે મે ઘણો સંઘર્ષ કર્યો, પરંતુ એક ઈક્વિટી પાર્ટનરના દબાણને વધુ સહન કરી શકીશ નહીં. તે મારા પર સતત એ શેરોને બાયબેક કરવાનું દબાણ બાવી રહ્યા છે, જેનું ટ્રાન્સક્શન મે આંશિકપણે છ માસ પહેલા એક દોસ્ત સાથે મૂડી એકઠી કરવા માટે કર્યું હતું.
મહત્વપૂર્ણ છે કે બેંગલુરુથી મેંગલુરુના માર્ગે સિદ્ધાર્થ સોમવારે લગભગ આઠ વાગ્યે નેત્રાવતી નદીના પુલ પર ગાડીમાંથી નીચે ઉતર્યા બાદ ફરવાની વાત કહીને નીકળ્યા હતા અને તેના પછી પાછા ફર્યા નથી. ડ્રાઈવરના નિવેદનના આધારે પોલીસ માની રહી છે કે કારોબાર સાથે જોડાયેલી કેટલીક પરેશાનીઓને લઈને તેઓ દબાણમાં હતા અને કદાચ તેમણે નેત્રાવતી નદીમાં કૂદીને આત્મહત્યા કરી લીધી છે. ગાયબ થતા પહેલા તેમણે આખરી લેટરમાં કહ્યુ છે કે તેઓ એક ઉદ્યમી તરીકે અસફળ રહ્યા, પરંતુ તેમની સફર પર નજર નાખો તો તેમા સફળતાઓની કોઈ અછત નથી.