Site icon Revoi.in

કોરોના કાળમાં કોમ્પ્યુટરની માંગમાં વૃદ્વિ, આયાત 7 વર્ષની ટોચે

Social Share

મુંબઇ: કોરોનાને કારણે લાગૂ થયેલા દેશવ્યાપી લોકડાઉન દરમિયાન વર્ક ફ્રોમ હોમનો ટ્રેન્ડ વધુ ચગ્યો હતો અને હજુ પણ વર્ક ફ્રોમ હોમનો ટ્રેન્ડ યથાવત્ જોવા મળી રહ્યો છે ત્યારે દેશમાં પર્સનલ કોમ્પ્યુટર્સની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે. સપ્ટેમ્બરના ત્રિમાસિક ગાળામાં પીસીની આયાત વાર્ષિક ધોરણે 9.20 ટકા વધી 34 લાખ એકમ રહી હોવાનું રિસર્ચ પેઢીના રિપોર્ટમાં જણાવાયું હતું. આ આયાત 7 વર્ષની ઊંચી સપાટીએ રહી છે.

વર્ષ 2019ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં ડેસ્કટોપ્સ, નોટબુક્સ તથા વર્કસ્ટેશન્સની મળીને કુલ આયાત આંક 31 લાખ એકમ રહ્યો હતો. કોરોના વાયરસને કારણે ઇ-લર્નિંગમાં વધારો થતા વર્ક ફ્રોમ હોમ વ્યવસ્થાને કારણે પીસીની માંગમાં વધારો થતાં સપ્ટેમ્બરમાં 34 લાખ પીસીની આયાત થયાનું રિપોર્ટમાં જણાવાયું હતું.

નોટબુકસ માટેની માગ વર્તમાન પૂરવઠા કરતાં ઘણી ઊંચી રહેતા વર્તમાન ત્રિમાસિક ગાળામાં પણ તેની આયાત ઊંચી રહેવાની ધારણા મૂકવામાં આવી રહી છે. દેશમાં શાળા તથા કોલેજોમાં શિક્ષણ હજુ પણ ઓનલાઇન ચાલું રહ્યું હોવાથી કન્ઝ્યૂમર નોટબુક્સ માટેની માગ ખાસ કરીને મોટા શહેરોમાંથી વધી રહી છે. પૂરવઠાને લગતા પડકારો છત્તાં વેન્ડર્સ સ્ટોક્સ કરી શક્યા છે.

નોંધનીય છે કે, શાળા અને કોલેજો ક્યારે શરૂ થશે તેને લઇને અનિશ્વિતતા પ્રવર્તી રહી છે ત્યારે વિદ્યાર્થીઓને અભ્યાસ માટે ઘરે જ ઇલેક્ટ્રોનિક સાધનો વસાવવાની ફરજ પડી રહી છે જેને કારણે પણ લેપટોપ અને કમ્પ્યુટરની માંગમાં ઉછાળો આવ્યો છે.

(સંકેત)