અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે હાલ ગુજરાત અને મહારાષ્ટ્રમાં કામગીરી ચાલી રહી છે. અમદાવાદ-મુંબઈ વચ્ચે શરૂ થનારી બેલેટ ટ્રેન માટે મહારાષ્ટ્રમાં હાલ જમીન સંપાદનની કામગીરીમાં કેટલીક અડચણો ઉભી થઈ છે. જેથી પ્રથમ તબક્કામાં અમદાવાદ-વાપી વચ્ચે અને બીજા તબક્કામાં વાપી-મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન શરૂ કરવામાં આવે તેવી શકયતા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર વર્ષ 2017માં જાપાનના વડાપ્રધાન શિન્જો આબે ભારતની મુલાકાતે આવ્યાં હતા. જાપાનના વડાપ્રધાન આબેએ અમદાવાદની મુલાકાત લીધી હતી. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેનની જાહેરાત કરી હતી. તેમજ વર્ષ 2023-24માં આ પ્રોજેક્ટ શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે માટે ગુજરાત અને મહારાષ્ટ્રમાં જમીન સંપાદનની કામગીરી પણ શરૂ કરવામાં આવી હતી. ગુજરાતમાં બુલેટ ટ્રેનની કામગીરી પૂરઝડપે ચાલી રહી છે. જ્યારે મહારાષ્ટ્રમાં જમીન સંપાદનમાં કેટલાક અવરોધ ઉભા થયાં છે. જો કે, મહારાષ્ટ્ર સરકારે આગામી 4 મહિનામાં 80 ટકા જમીન સંપાદનની કામગીરી પૂર્ણ કરવાનું આશ્વાસન આપ્યું છે.
રેલવે બોર્ડના ચેરમેન વી. કે. યાદવના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્રમાં જમીન સંપાદનના કાર્યમાં વિલંબ થાય તો અમે પ્રથમ તબક્કામાં અમદાવાદથી વાપી વચ્ચે બુલેટ ટ્રેન દોડવાની તૈયારી કરી રહ્યા છીએ. જો કે, તમામ નિર્ણયો મહારાષ્ટ્રમાં જમીન સંપાદનનું કેટલું કામ થયું છે તેના આધારે લેવાશે. અત્રે ઉલ્લેખનીય છે કે, 508 કિમી લાંબા આ રૂટ ઉપર લગભગ 1.1 લાખ કરોડથી વધારેનો ખર્ચ થવાની શકયતા છે. તેમજ બુલેટ ટ્રેન કોરિડોરનો 155.76 કિમી ભાગ મહારાષ્ટ્રમાં, 348.04 કિમી ગુજરાતમાં અને 4.3 કિમી દાદરા-નગર હવેલીમાં છે.