નવી દિલ્હી: સંસદનું બજેટ સત્ર ત્રણથી પાંચ દિવસ સુધી લંબાવાય તેવી શક્યતા છે. તેને લઈને આખરી નિર્ણય સોમવારે કરવામાં આવશે. સરકાર ચાહે છે કે ટ્રિપલ તલાક બિલ આ સત્રમાં પારીત કરવામાં આવશે. વિલંબિત બિલોની સંખ્યાને જોતા નિર્ણય કરવામાં આવશે. મંગળવારે પીએમ મોદીએ ભાજપના સાંસદોને કહ્યુ હતુ કે સત્ર લંબાવાય તેવી શક્યતા છે. માટે આ શક્યતાને ધ્યાનમાં રાખીને પોતાનો કાર્યક્રમ બનાવો. પહેલા 26 જુલાઈએ સત્ર સમાપ્ત થવાનું હતું.
સરકાર પેન્ડિંગ 15 બિલોને પણ આ સત્રમાં પારીત કરાવવા ચાહે છે. વિલંબિત બિલોને પારીત કરવા માટે એક સપ્તાહનો વધુ સમય લાગશે. જો કે વિપક્ષ સત્ર લંબાવવાના સમર્થનમાં નથી. ખાસ કરીને કોંગ્રેસ બજેટ સત્રના લંબાવવાનો વિરોધ કરી રહી છે.
મહત્વપૂર્ણ છે કે જ્યારથી સંસદનું સત્ર શરૂ થયું છે, વિપક્ષ મોદી સરકાર પર પોતાને અવગણવાનો આરોપ લગાવી રહ્યું છે. ટીએમસીના નેતા ડેરેક ઓ બ્રાયને મોદી સરકાર પર વાકપ્રહાર કરતા કહ્યુ હતુ કે સંસદીય સત્રમાં 13 દિવસોમાં 7 બિલો પારીત કરવામાં આવ્યા છે. આ તમામ વટહુકમો પણ હતા. તમામને કોઈપણ ધારાકીય તપાસ માટે મોકલવામાં આવ્યા નથી. આ નિરાશાજનક છે. સરકારે ક્રેડિટ છીનવી લીધી. વિપક્ષની ઉપેક્ષા થઈ રહી છે.
ટીએમસીના નેતાનું કહેવું હતું કે 14મી અને 15મી લોકસભા દરમિયાન લગભગ 75 ટકા બિલ સંસદીય સમિતિ પાસે મોકલવામાં આવયા હતા. 16મી લોકસભામાં માત્ર 25 ટકા બિલ સમિતિઓને મોકલવામાં આવ્યા હતા.