કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે મોદી સરકારના બીજા કાર્યકાળનુ પહેલું બજેટ રજૂ કર્યું છે. લોકસભામાં બજેટીય ભાષણ દરમિયાન તેમણે સરકારની મનસા વ્યક્ત કરતા ચાણક્ય નીતિ અને ઉર્દૂ શાયરીનો ઉપયોગ કર્યો હતો.
નિર્મલા સીતારમણે કહ્યુ છે કે ચાણક્ય નીતિ કહે છે કે – કાર્ય પુરુષા કરે, ન લક્ષ્યમ સંપા દયાતે- એટલે કે ઈચ્છાશક્તિ સાથે કરવામાં આવેલી કોશિશોથી લક્ષ્ય જરૂર પ્રાપ્ત કરી લેવામં આવે છે. તેની સાથે જ નિર્મલા સીતારમણે ઉર્દૂની એક શાયરી પણ લોકસભામાં પોતાના બજેટીય ભાષણમાં સંભળાવી હતી.
તેમણે કહ્યું હતું કે યકીન હો તો કોઈ રાસ્તા નીકલતા હૈ, હવા કી ઓટ લેકર ભી ચિરાગ જલતા હૈ.
આ શાયરી ઉર્દૂના મશહૂર શાયર મંજૂર હાશમીની છે, તેનો અર્થ છે કે જો તમને ખુદ પર યકીન હોય તો હવાનો સહારો લઈને પણ ચિરાગ પ્રજ્વલિત થઈ જાય છે.
નાણાં પ્રધાને ચાણક્ય નીતિ અને મંજૂર હાશમી ની શાયરીનું ઉદાહરણ એટલા માટે આપ્યું, કારણ કે તેઓ તે સમયે ભારતીય અર્થવ્યવસ્થાના પાંચ ટ્રિલિયન ડોલરના લક્ષ્યની વાત કરી રહ્ય હતા. તેમણે બજેટીય ભાષણમાં જણાવ્યું કે 2014માં ઈકોનોમી 1.8 ટ્રિલિયન ડોલર હતી, જે પાંચ વર્ષમાં વધી એટલે કે 2019માં 2.7 ટ્રિલિયન ડોલર થઈ ગઈ અને હવે તે વધીને 5 ટ્રિલિયન ડોલર કરવાની છે.
નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે 5 ટ્રિલિયન ડોલરની ઈકોનોમી સુધી પહોંચવા માટે મુખ્યત્વે ત્રણ બિંદુઓનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે આ લક્ષ્યની પ્રાપ્તિ માટે મૂળભૂત માળખામાં રોકાણ, ડિજિટલ અર્થવ્યવસ્થાની સાથે રોજગાર નિર્માણ અને લોકોની આશા, વિશ્વાસ અને આકાંક્ષાઓ જરૂરી છે.
મોદી સરકારના આ મોટા લક્ષ્યને પૂર્ણ કરવાની પ્રતિબદ્ધતા જાહેર કરતા નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે ચાણક્ય નીતિ અને મંજૂર હાશમીની શાયરીનું ઉદાહરણ આપ્યું હતું.