સમાજવાદી પાર્ટીની સાથે ગઠબંધન તૂટવાની ચર્ચાઓની વચ્ચે માયાવતીએ પોતે જ આવીને પરિસ્થિતિ સ્પષ્ટ કરી છે અને હાલ ગઠબંધન પર બ્રેક લગાવવાની પુષ્ટિ કરી છે. માયાવતીએ મીડિયા સાથે વાત કરતી વખતે એક બાજુ અખિલેશ અને ડિમ્પલની સાથે હંમેશ માટે સંબંધો જાળવી રાખવાની વાત કરી તો બીજી બાજુ હાલ ચૂંટણીના રાજકારણમાં એકલા જ આગળ વધવાની પણ પુષ્ટિ કરી. માયાવતીએ લોકસભા ચૂંટણીમાં કારમી હારનું ઠીકરું સમાજવાદી પાર્ટી પર ફોડતા કહ્યું કે તેમને યાદવ વોટ્સ જ નથી મળ્યા.
‘ફિરોઝાબાદમાં અક્ષય યાદવની હાર અમને વિચારવા પર મજબૂર કરે છે. તેમની હારનું અમને પણ ઘણું દુઃખ છે. સ્પષ્ટ છે કે આ યાદવ બહુમતીવાળી સીટ્સ પર પણ યાદવ સમાજનો વોટ એસપીને નથી મળ્યો. એવામાં એ વિચારવાની વાત છે કે એસપીની બેઝ વોટબેંક જો તેના હાથમાંથી છટકી ગઈ છે તો પછી તેમનો વોટ બીએસપીને કેવી રીતે ગયો હશે.’
માયાવતીએ કહ્યું, ‘અખિલેશ અને ડિમ્પલ મને બહુ સન્માન આપે છે. અમારા સંબંધો હંમેશ માટે છે, પરંતુ રાજકીય મજબૂરીઓ છે. લોકસભા ચૂંટણીના જે પરિણામો યુપીમાં આવ્યા છે તે જોતા દુઃખ સાથે કહેવું પડે છે કે યાદવ બહુમતીવાળી સીટ્સ પર પણ એસપીને તેમનો વોટ નથી મળ્યો. યાદવ સમાજના વોટ્સ ન મળવાને કારણે ઘણી મહત્વપૂર્ણ સીટ્સ પર પણ એસપીના મજબૂત ઉમેદવારો હારી ગયા. આ આપણને ઘણુંબધું વિચારવા પર મજબૂર કરે છે.’
માયાવતીએ કહ્યું, ‘અમારી સમીક્ષામાં એ જાણવા મળ્યું કે બીએસપી જે રીતે કેડર બેઝ પાર્ટી છે. અમે મોટા લક્ષ્યાંક સાથે એસપી સાથે મળીને કામ કર્યું છે, પરંતુ અમને મોટી સફળતા મળી શકી નથી. એસપીએ સારી તક ગુમાવી દીધી છે. આ પરિસ્થિતિમાં એસપીમાં સુધાર લાવવાની જરૂર છે. એસપીને પણ બીજેપીના જાતિવાદી અને સાંપ્રદાયિક અભિયાન વિરુદ્ધ મજબૂતીથી લડવાની જરૂર છે. જો મને લાગશે કે એસપી પ્રમુખ રાજકીય કાર્યોની સાથે જ પોતાના લોકોને મિશનરી બનાવવામાં સફળ થઈ જાય છે તો પછી આપણે સાથે ચાલીશું. જો તેઓ આ કામમાં સફળ નહીં થઈ શકે તો અમારું એકલા ચાલવું જ યોગ્ય રહેશે.’
માયાવતીએ સમાજવાદી પાર્ટીનો બેઝવોટ ગણાતા યાદવ મતદાતાઓ માટે કહ્યું કે તેમણે ન જાણે કયા કારણોસર એસપીને વોટ નથી આપ્યો. આ જ કારણ છે કે કન્નૌજ, ફિરોઝાબાદ અને બદાયુંમાં પણ એસપી હારી ગઈ. માયાવતીએ કહ્યું કે યાદવ મતદાતાઓએ ભીતરાઘાત કર્યો છે.
આ બાબતે ગાજીપુરમાં સપા કાર્યકર્તાની હત્યા પછી પહોંચેલા અખિલેશ યાદવે કહ્યું, ‘ગઠબંધન તૂટ્યું છે અને તેના પર વાત રાખવામાં આવી છે તો હું તેના પર વિચાર કરીશ. સપા પણ સામાન્ય અભિપ્રાય બનાવીને 11 સીટ્સ પર ચૂંટણી લડશે. જો રસ્તા અલગ થઈ રહ્યા છે તો તે માટે અભિનંદન અને તેનું પણ સ્વાગત. અત્યારે અમારા માટે ગઠબંધન મહત્વનું નથી, પરંતુ ભાજપ સરકારમાં જે હત્યાઓ થઈ રહી છે, તે માટે કાયદા વ્યવસ્થા મજબૂત કરવી જોઈએ.’