લોકસભા ચૂંટણી પછી કર્ણાટકમાં જેડીએસ-કર્ણાટક ગઠબંધન તૂટવાની અટકળો લગાવવામાં આવી રહી હતી. આ દરમિયાન કર્ણાટકના ભાજપ પ્રમુખ અને પૂર્વ મુખ્યમંત્રી યેદિયુરપ્પાએ કહ્યું છેકે અમે (ભાજપ) રાજ્યમાં જેડીએસ સાથે મળીને સરકાર નહીં બનાવે. અમે ઇચ્છીએ છીએ કે આ ચૂંટણી ફરીથી થાય.
યેદિયુરપ્પાએ સ્પષ્ટ કર્યું કે જેડીએસની મદદથી સરકાર બનાવવી અશક્ય છે. એચડી કુમારસ્વામીના નેતૃત્વમાં 20-20 ડીલ હેઠળ શાસન ચલાવવાનો અનુભવ ઘણો ખરાબ રહ્યો હતો. હું ફરી આવી ભૂલ કરવા માંગતો નથી. 2007માં ભાજપ અને જેડીએસમાં 20-20 મહિના સત્તા ચલાવવા માટે સમાધાન થયું હતું. ત્યારે 20 મહિના સરકાર ચલાવ્યા પછી કુમારસ્વામીએ પદ પરથી હટવાનો ઇન્કાર કરી દીધો હતો. ત્યારબાદ ભાજપે સમર્થન પાછું ખેંચી લીધું હતું.
યેદિયુરપ્પાએ કહ્યું- અમે નવી વિધાનસભા ચૂંટણી માટે તૈયાર છીએ. પાર્ટી પાસે કોઈ બીજો વિકલ્પ નથી. લોકસભા ચૂંટણીમાં 26 સીટ્સ હાર્યા પછી જેડીએસ-કોંગ્રેસ ગઠબંધન જનતાનો ભરોસો ખોઈ ચૂક્યું છે. જો આ પછી પણ ગઠબંધન સરકાર ચાલુ રહે તો તે લોકોના મતોની વિરુદ્ધ હશે.
યેદિયુરપ્પાએ એ પણ આરોપ લગાવ્યો કે ગઠબંધનના બંને પક્ષો (કોંગ્રેસ અને જેડીએસ) જનતાની સમસ્યાઓ ઉકેલવાના બદલે સત્તામાં ટકી રહેવાની કવાયતમાં જ લાગેલા છે. એક જૂનના રોજ થનારી બેઠકમાં આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે.
શું ભાજપ સુમનલતા અંબરીશનું સ્વાગત કરશે, એવું પૂછવા પર યેદિયુરપ્પાએ કહ્યું- જો તેઓ પાર્ટીમાં સામેલ થવા માંગતા હોય તો તેમનું સ્વાગત છે. લોકસભા ચૂંટણીમાં અપક્ષના ઉમેદવાર સુમનલતાએ માંડ્યા સીટ પરથી જેડીએસ ઉમેદવાર અને કુમારસ્વામીના દીકરા નિખિલને હરાવ્યો હતો. જેડીએસ પ્રમુખ અને પૂર્વ વડાપ્રધાન એચડી દેવગોડા પણ ટુમકુર સીટથી હારી ગયા હતા.