રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી ગૌમાંસ ખાવાના વિચાર સાથે કટ્ટરતાથી અસંમત હતા અને ભારતના કરોડો હિંદુઓની પણ આવી જ ધાર્મિક લાગણી છે. ગાય ભારતના હિંદુઓમાં ધાર્મિક મહત્વ ધરાવે છે અને તેને કારણે સદીઓથી ભારતમાં ગૌમાંસ ખાવું વર્જિત કરવામાં આવ્યું છે. ઘણાં મુસ્લિમ શાસકોએ પણ સત્તાવાર રીતે ગૌહત્યાને પ્રતિબંધિત કરી હતી.
પરંતુ ભારતમાં છેલ્લા ઘણાં સમયથી ગૌહત્યા અને ગૌમાંસ ભક્ષણના મામલા ચર્ચામાં આવે છે. આ ચર્ચા એવી રીતે કરવામાં આવે છે કે જાણે કે હિંદુઓની ધાર્મિક લાગણીના ઘવાવાના ભોગે ગૌહત્યારાઓ અને ગૌમાંસ ભક્ષકોને પ્રોત્સાહીત કરવા માટે સગવડિયા તર્કો ઉભા કરીને ગાયને ભાજપ-આરએસએસના રાજકારણ સાથે જોડી દેવામાં આવે છે અને તેના માટે સગવડિયા તર્કોની ભરમાર કરવામાં આવે છે. તેના માટે મહાત્મા ગાંધી જેવા વ્યક્તિત્વને પણ ઢાલ બનાવીને તેમની વાતોને સંદર્ભોથી અલગ કરીને ટાંકીને સગવડિયા તર્કો ઉભા કરવામાં આવે છે.
હવે બાપુ સાથે જોડાયેલા એક પુસ્તકમાં ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી ભલે ગૌમાંસ ભક્ષણના વિચાર સાથે અસંમત રહ્યા હોય, પરંતુ તેમનું માનવું હતું કે અન્યોને તેમની મરજીની વસ્તુઓ ખાવાથી રોકવું હિંસાથી ઓછું નથી. આ દાવો કરાયો છે ગાંધીઝ સર્ચ ફોર ધ પરફેક્ટ ડાયટ-માં. આ પુસ્તકમાં અમેરિકાના ઈતિહાસકાર નિકો સ્લેટે બાપુને ટાંકીને કહ્યુ છે કે ભલે તે ગૌહત્યાની વિરુદ્ધ હતા, તેમ છતાં તેઓ મીટ ખાનારાઓ સાથે ખુલીને જોડાયેલા હતા.
પીટીઆઈના અહેવાલ પ્રમાણે, પુસ્તકમાં ગાંધીજીને ટાંકીને લખવામાં આવ્યું છે કે આ લોકોને મોટાભાગે ખબર જ છે કે હું સંપૂર્ણપણે શાકાહારી અને ખાદ્ય સુધારનો તરફદાર છું. જો કે લોકોને એ ખબર નથી કે અહિંસા અહિંસા માણસોની સાથે પશુઓ પર જ લાગુ થાય છે અને એ પણ કે હું મીટ ખાનારાઓ સાથે જોડાયેલો છું.
સ્લેટ લખે છે કે ગૌહત્યાના મામલા ગાંધીના ભારતમાં સૌથી મોટા વિભાજનકારી મુદ્દામાંથી એક છે. આ તે વખતે પણ જ્વલંત મુદ્દા બન્યા, જ્યારે 2015માં 52 વર્ષના મોહમ્મદ અખલાકની ગૌહત્યાની શંકામાં યુપીના દાદરીમાં માર મારીને હત્યા કરવામાં આ. તેના પછી પશુ તસ્કરીની આશંકામાં ભીડ દ્વારા લોકોને મારવાના ઘણાં મામલા અખબારમાં સમાચારનો ભાગ રહ્યા હતા.
પુસ્તકમાં જણાવ્યા મુજબ, ગાંધીજીએ કહ્યુ હતુ કે કોઈ શખ્સને તેની પસંદની ચીજ ખાવાથી રોકવું અહિંસા નથી, હિંસા છે. ગાયને બચાવવા માટે મુસ્લિમ ભાઈને મારવો ધર્મ નથી, પરંતુ ધર્મનો અભાવ છે. પુસ્તક મુજબ, ગાંધી ગૌરક્ષા માટે હિંસાનો ઉપયોગ નામંજૂર કરતા હતા, તો મુસ્લિમોને બદનામ કરવા માટે ગૌરક્ષાના ઉપયોગની પણ નિંદા કરતા હતા.
પુસ્તકના તર્કો પુસ્તકના લેખને આધિન છે. પરંતુ ભારતના ધાર્મિક માન્યતાના તર્કો ભારતના ધર્મશાસ્ત્રો, ભારતની પરંપરા અને ભારતના લોકોની લાગણી અને માગણીને આધિન છે. ભારતમાં સીધી કે આડકતરી કોઈપણ પ્રકારની ગૌહત્યાને ભારતના લોકો મંજૂર કરવાના નથી. જ્યાં સુધી ગાંધીજીનો સવાલ છે, તો ભારતની માન્યતાઓ ગાંધીજીથી શરૂ થઈ ન હતી અને પુરી પણ થવાની નથી. ગાંધીજીની વાતોને સગવડિયા તર્કોના આધારે મૂકવા કરતા ગાંધીજીને પૂર્ણતાથી વિચારવાની જરૂર છે. અહિંસાની ગાંધીજીની વિચારધારા માત્ર માણસ પુરતી જ મર્યાદીત ન હતી. મહાત્મા ગાંધી પશુહિંસાના પણ વિરોધી હતા. ખુદને તકલીફ આપીને પણ તેઓ હિંસાને અટકાવવા માટે અવાર-નવાર લોકોના ગુસ્સાને શાંત પાડવા માટે ભૂખ હડતાલ કરતા હતા. ત્યારે આવા મહાપુરુષને ટાંકીને કોઈને પસંદગીનું ભોજન નહીં કરવા દેવું હિંસા હોવાનો તર્ક રજૂ કરવો ગેરવ્યાજબી છે. વળી ગાંધીજી મહાત્મા હતા અને મહાત્મા આવું વિચારે તેમા કોઈ આશ્ચર્ય નથી. પરંતુ ભારતના લોકોએ પોતાની ધાર્મિક લાગણીઓને સંન્યસ્ત કરી નથી અને તેથી આવા કોઈ સગવડિયાં તર્કો ભારતમાં સ્વીકાર્ય બનવાના નથી.
હકીકતમાં શીખવાડવું તો એવું જોઈએ કે ભારતના લોકોની ધાર્મિક લાગણીઓને મુસ્લિમો આદર આપે અને તેને ચોટ પહોંચાડવાની કોશિશ કરે નહીં. મુસ્લિમ શાસકોએ પણ હિંદુઓની લાગણીને ધ્યાનમાં રાખીને ગૌહત્યા પર પ્રતિબંધ મૂક્યો હતો. તો આવા સગવડિયા તર્કો દ્વારા ગૌહત્યાને આડકતરું પ્રોત્સાહન આપવાની હરકતો શા માટે થઈ રહી છે?