પશ્ચિમ બંગાળમાં થઈ રહેલી હિંસા મામલે ભારતીય જનતા પાર્ટીએ રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીને તૃણમૂલ કોંગ્રેસ વિરુદ્ધ ફરિયાદ કરી છે. બીજેપીએ પશ્ચિમ બંગાળના મુખ્ય ચૂંટણી અધિકારીને પત્ર લખ્યો છે, જેમાં રાજ્યના 9 સંસદીય વિસ્તારોમાં હિંસક ઘટનાઓ ઘટી હોવાના આરોપ મૂકવામાં આવ્યા છે. પત્રમાં લખ્યું છે કે, ‘અમે ECIમાં 417 ફરિયાદો ફાઇલ કરી હતી, જેમાંથી 227નો નિવેડો આવ્યો છે. પરંતુ હજુ પણ 190 જેવા જંગી આંકડામાં રહેલી ફરિયાદોનો કોઈ ઉકેલ આવ્યો નથી.’
ઉલ્લેખનીય છે કે જ્યારથી ચૂંટણી અને મતદાન શરૂ થયા છે ત્યારથી દરેક તબક્કાના મતદાનમાં પશ્ચિમ બંગાળમાં હિંસા થતી આવી છે. બીજેપી અને ટીએમસીના કાર્યકર્તાઓ વચ્ચે સતત હિંસાત્મક ઝપાઝપીઓ થઈ છે. બીજેપી કાર્યકર્તાઓની ગાડીઓ પર હુમલા કરવામાં આવ્યા છે. આજે સાતમા તબક્કાના મતદાનમાં પણ પશ્ચિમ બંગાળના જાધવપુર અને બસીરાહાટમાં હિંસાના મામલા બન્યા છે.