નવી દિલ્હી : ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ રામ માધવે કહ્યુ છે કે અમે ચૂંટણી પંચથી જમ્મુ-કાશ્મીરમાં વર્ષના આખર સુધીમાં ચૂંટણી કરાવવાની માગણી કરીશું. જમ્મુએ 1947થી ભેદભાવનો સામનો કર્યો છે. જમ્મુ-કાશ્મીરમાં સરકાર બનાવ્યા બાદ અમે ભેદભાવને સમાપ્ત કરીશું.
હુર્રિયતની સાથે વાતચીતના મુદ્દા પર ભાજપના મહાસચિવ રામ માધવે કહ્યુ છે કે ક્યારે અને કેવી રીતે વાત થાય તેને હુર્રિયત નક્કી કરી શકે નહીં. વાટાઘાટો સંદર્ભે નિર્ણય લેવો કેન્દ્રીય ગૃહ મંત્રાલયનો સર્વાધિકાર છે. રામ માધવે કહ્યુ છે કે અમે તેમની સાથે વાત કરતા નથી જે લોકો બંધારણને માનતા નથી. અમરનાથ યાત્રા સંદર્ભે તેમણે કહ્યુ છે કે મહબૂબા મુફ્તિ અને તેમની પાર્ટીએ સુચારુપણે યાત્રામાં મદદ કરવી જોઈએ. યાત્રીઓની સુરક્ષામાં અમે લોકો કોઈ કોર કસર છોડીશું નહીં.
ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ રામ માધવ ભૂતકાળમાં પણ કહી ચુક્યા છે કે જમ્મુ-કાશ્મીરના પ્રાદેશિક પક્ષ રાજ્યની પ્રગતિ અને વિકાસમાં બાધક છે. રામ માધવે કહ્યુ છે કે આ બંને પક્ષ (પીડીપી, નેશનલ કોન્ફરન્સ) રાજ્યની પ્રગતિ અને વિકાસમાં બાધક છે. કાશ્મીર માટે અમારી નીતિ અટલજીની ઈન્સાનિયત, જમ્હૂરિયત અને કાશ્મીરિયતના સિદ્ધાંત પર આધારીત છે.