Site icon hindi.revoi.in

અમિત શાહે સંભાળ્યો ગૃહમંત્રી તરીકેનો કાર્યભાર, જમ્મુ-કાશ્મીર સહિત ઘણા મુદ્દાઓ છે સામે

Social Share

અમિત શાહે કેન્દ્રીય ગૃહમંત્રી તરીકે કાર્યભાર સંભાળી લીધો છે. ગુરૂવારે તેમણે વડાપ્રધાન મોદીની સાથે પદ અને ગોપનીયતાના શપથ લીધા હતા. તે રીતે જોતાં સરકારમાં તેમની ભૂમિકા હવે એક રીતે નંબર 2ની રહેશે. અમિત શાહના ગૃહમંત્રી બનવાની સાથે જ તેમની પ્રાથમિકતાઓને લઇને અટકળોનો દોર શરૂ થઈ ગયો છે. ખાસ કરીને જમ્મુ-કાશ્મીરમાં કલમ-370 અને આર્ટિકલ 35-A પર સરકારનું વલણ જોવાલાયક રહેશે. લોકોની નજરો એ વાત પર હશે કે ગૃહમંત્રી અમિત શાહ આ મામલે શું વલણ અપનાવે છે, કારણકે તેઓ સતત તેને હટાવવાની વાત કરે છે. ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીરમાં આ જ વર્ષે નવેમ્બરમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. એવામાં આ પહેલા કલમ-370 અને આર્ટિકલ 35-A પર ગૃહમંત્રાલયનું વલણ રાજ્યના રાજકારણમાં ઘણું ઉતાર-ચડાવવાળું સાબિત થઈ શકે છે.

લોકસભા ચૂંટણીમાં બીજેપીએ જમ્મુ-કાશ્મીરમાં ત્રણ સીટ્સ પર જીત નોંધાવી છે. બીજેપી રાજ્યમાં સતત પોતાની પકડ મજબૂત કરવાનો પ્રયત્ન કરી રહી છે. આ કડીમાં પાર્ટી અધ્યક્ષ અમિત શાહનું ગૃહમંત્રી બનવું ઘણું મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત અમિત શાહના ગૃહમંત્રી બન્યા પછી પશ્ચિમ બંગાળની રાજકીય સ્થિતિ પર પણ તમામની નજરો રહેશે.

ખાસ કરીને બીજેપી અને મમતા બેનર્જીની ટીએમસીના વણસી ગયેલા સંબંધો વચ્ચે એ જોવું રસપ્રદ રહેશે કે ગૃહમંત્રી અમિત શાહ અને દીદીની વચ્ચે કાયદા વ્યવસ્થા અને અન્ય મામલાઓ પર કેવો સંબંધ રહે છે. તમને જણાવી દઇએ કે પશ્ચિમ બંગાળમાં સતત ટીએમસી-બીજેપીના કાર્યકર્તાઓ આમને-સામને છે. રાજકીય હિંસાના સમાચારો સતત આવતા રહ્યા છે. અમિત શાહના પોતાના વિરુદ્ધ બંગાળમાં એક મામલો નોંધાયેલો છે.

ઉલ્લેખનીય છે કે પીએમ મોદીના શપથગ્રહણ પછી વિભાગો વહેંચવામાં આવ્યા. એનડીએ-1માં ગૃહમંત્રી રહેલા રાજનાથ સિંહને હવે સંરક્ષણ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે અને નિર્મલા સીતારામનને નાણા મંત્રાલય સોંપવામાં આવ્યું છે. જ્યારે પૂર્વ વિદેશ સચિવ એસ. જયશંકરને વિદેશમંત્રી બનાવવામાં આવ્યા છે. એટલે કે સરકારની સૌથી મહત્વપૂર્ણ સુરક્ષા મામલાઓની સમિતિ સીસીએસમાં પીએમ મોદી ઉપરાંત આ ચાર ચહેરાઓ મુખ્ય રહેશે.

આ નિર્ણય પછી વડાપ્રધાન પછી અમિત શાહ બીજા સૌથી શક્તિશાળી મંત્રી રહેશે અને પીએમ મોદીના વિદેશ પ્રવાસ દરમિયાન દેશની કમાન અમિત શાહના હાથમાં રહેશે. ડીઓપીટી, એટોમિક એનર્જી મંત્રાલય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પાસે રહેશે. તેની સાથે જ તમામ મહત્વના નીતિગત મુદ્દાઓ સાથે જોડાયેલા મંત્રાલય તેમજ નહીં ફાળવેલા મંત્રાલયો પણ વડાપ્રધાન પાસે જ રહેશે.

Exit mobile version